આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે!
રાજેન્દ્ર શુક્લ

ગઝલ – ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.

આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !

– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…

25 Comments »

 1. RJ MEET said,

  March 20, 2009 @ 12:52 am

  પણ આવી કામના કરનારા કેટ્લા? અને જેની પાસે આવી અપેક્ષા રાખીએ એવુ સમજનારા કેટ્લા?
  બધા કહે છે પ્રેમમા અપેક્ષા જેવુ ના હોય..હુ કહુ છુ અપેક્ષા પ્રેમમા જ હોય..તમે સ્વજન પાસેથી જ કોઇ અપેક્ષા રાકી શકો છો…

 2. RJ MEET said,

  March 20, 2009 @ 12:52 am

  પણ આવી કામના કરનારા કેટ્લા? અને જેની પાસે આવી અપેક્ષા રાખીએ એવુ સમજનારા કેટ્લા?
  બધા કહે છે પ્રેમમા અપેક્ષા જેવુ ના હોય..હુ કહુ છુ અપેક્ષા પ્રેમમા જ હોય..તમે સ્વજન પાસેથી જ કોઇ અપેક્ષા રાખી શકો છો…

 3. Dr. Jagdip Nanavati said,

  March 20, 2009 @ 4:02 am

  ડો.મનોજભઈ…
  સુંદર ગઝલ…..
  આજ મુડની મારી લખેલી એક જુની રચના તમને સાદર , સપ્રેમ…

  ડો. નાણાવટી
  આંખમાં ડોકાય સપનુ તોય બસ
  હોય કે ના હોય ખપનું તોય બસ

  પથ્થરો લૈલાની ચારે કોર છે
  જો મળે એકાદ મજનુ તોય બસ

  જામને પહેલા કરો પુરો , પછી
  નામ દઇ દો આચમનનું તોય બસ

  રાહમાં વર્ષો વિતે , પરવા નથી
  દ્વાર હો એ આગમનનું તોય બસ

  ખત ભલે કોરો હો , સરનામું ઉપર
  હોય જો મારાજ ઘરનું તોય બસ

  હું ચરણ રજ પામવા ગોપી તણી
  આંગણું થઇ જાઉં વ્રજ નું તોય બસ

  હોલિકા સળગે , જરૂરી એ નથી
  પારખું થઇ જાય સતનું , તોય બસ

  તાજ મહેલો કે મકબરા ના ચહું
  સ્થાન દો તલભાર હકનું તોય બસ

 4. અનામી said,

  March 20, 2009 @ 5:56 am

  વાહ…..આવી સુંદર એકાદ ગઝલ વંચાય તોય ધણું છે.

 5. સુનિલ શાહ said,

  March 20, 2009 @ 8:23 am

  કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
  ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

  સુંદર…….

 6. pragnaju said,

  March 20, 2009 @ 8:46 am

  સુંદર ગઝલનું અમારી અનુભવેલી લાગણીનું મધુરુ રસદર્શન
  કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
  ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

  બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
  આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે
  અંતરની દાદ માંગતી પંક્તીઓ

 7. pradip sheth said,

  March 20, 2009 @ 11:22 am

  બન્ને ડોક્ટરોની સરસ રચનાઓ વાંચવા મળી..પંક્તિઓ ટાંકીને પુનરુક્તિ નથીકરવી..
  ખૂબજ સુન્દર રચનાઓ…..

 8. sudhir patel said,

  March 20, 2009 @ 1:02 pm

  ખૂબ જ લાગણીસભર ગઝલ.
  સુધીર પટેલ.

 9. ડો.મહેશ રાવલ said,

  March 20, 2009 @ 1:04 pm

  વાહ મનોજભાઈ!
  સુંદર ગઝલ બદલ અભિનંદન.

 10. ઊર્મિ said,

  March 20, 2009 @ 7:39 pm

  બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
  આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

  વાહ… આના પરથી મારી પ્રિય હિન્દી ગઝલ પણ મજાની યાદ કરાવી દીધી.

  આખી ગઝલ જ સુંદર થઈ છે… બધા જ શે’ર ગમી જાય એવા સ-રસ થયા છે.

  મનોજભાઈને અભિનંદન!

 11. ધવલ said,

  March 20, 2009 @ 9:18 pm

  ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
  થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !

  – સરસ !

 12. RJ MEET said,

  March 21, 2009 @ 12:57 am

  આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
  પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

  ઘણીવાર આવી મુંઝવણો વચ્ચે જ માણસ અટવાતો રહે છે…

 13. neha said,

  March 21, 2009 @ 1:15 am

  બેફામ હાસ્ય બાહર સન્નાટા સાવ અંદર…..ખોખલી પારદર્શિતાને ઉજાગર કરતી પંક્તિ….
  બન્ને રચના વાંચવાની મજા આવી…..

 14. Dr. Satish said,

  March 21, 2009 @ 2:36 am

  વાહ મનોજભાઈ!
  ખૂબ જ લાગણીસભર, સુંદર, અંતરની દાદ માંગતી રચના.
  મજા આવી…..

 15. KIRANKUMAR CHAUHAN said,

  March 21, 2009 @ 8:18 am

  વાહ! ગમી જાય એવી ગઝલ.

 16. NEHA said,

  March 22, 2009 @ 1:50 pm

  ખુબ જ સુન્દર અને ચોટદાર રચના…..આભિનન્દન ડૉ.મનોજ જોશી.

 17. mahesh dalal said,

  March 23, 2009 @ 12:41 pm

  વાહ વાહ … બન્ને ડોક્ટ્ર્ર … ર્રચ્ના ઘનિજ સુન્દેર ,, ….

 18. Dr.Pritesh Vyas said,

  March 25, 2009 @ 11:00 pm

  કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
  ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

  મારી એક પંક્તિ અહીં ટાંકવાનું મન થાય છે. ધવલભાઇ-વિવેકભાઇ ભૂલ-ચૂક માફ કરજો.
  “……સૂણી જો શક્યા હોત તો મુજ નીરવતામાં ય આર્તનાદ હતો”

 19. Pinki said,

  March 27, 2009 @ 4:21 am

  કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
  ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

  કેવી મૂંગી ચીસ ……. !!!

 20. rakesh kakkad said,

  March 27, 2009 @ 5:26 am

  A collection of words which we can say the driller for a painful heart.

 21. kedar said,

  March 31, 2009 @ 2:39 pm

  વાહ મનોજભાઈ….
  ખુબ ખુબ ખુબ સુન્દર ગઝલ….
  ખરેખર મજા આવી ગઈ….
  અભિનન્દન….

 22. login said,

  June 10, 2009 @ 8:25 am

  Great work with this one, nicelly done!

 23. ડૉ. નીરજ મહેતા said,

  August 22, 2009 @ 4:42 am

  વાહ મનોજભાઇ
  તમારા મુખે પૂર્વે સાંભળેલી આ ગઝલ ફરીવાર અહીં માણવાની મજા પડી.

 24. paresh joshi said,

  June 21, 2011 @ 4:12 am

  ખૂબ જ લાગણીસભર, સુંદર,

 25. અશોક ચાવડા બેદિલ said,

  August 10, 2011 @ 7:50 am

  સરળ બાનીમાં અંતરાત્માને સ્તબ્ધ કરી દેતી સાદ્યંત સુંદર રચના વાંચીને બસ એટલો જ ઉદગાર નીકળે છે કે આવા ગઝલકારો ‘થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે.’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment