જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

Vivek Kane_Dhire dhire
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)

*

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

– વિવેક કાણે ‘સહજ’

ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!

અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!

15 Comments »

  1. pragnaju said,

    March 14, 2009 @ 8:41 AM

    ખૂબ સુંદર ગઝલ
    અને તનાથી સરસ રસ દર્શન
    શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
    ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
    વાહ્
    ધીરે ધીરે હોત મનવા,ધીરે સબકુછ હોત
    માલી સીંચે સો ઘડા,ઋતુ આયે ફલ હોત

  2. ધવલ said,

    March 14, 2009 @ 8:55 AM

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
    એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

    – બહુ સરસ ગઝલ !

  3. vishwadeep said,

    March 14, 2009 @ 8:59 AM

    લયબઘ્ઘ ગઝલ ગમી..

  4. Maheshchandra Naik said,

    March 14, 2009 @ 9:09 AM

    સરસ ગઝલ માણવા મળી આભાર અને ડો. કાણેને અભિનદન્….

  5. Kishore Modi said,

    March 14, 2009 @ 9:30 AM

    ખૂબ સરસ ગઝલ અભિનંદન

  6. રઝિયા મિર્ઝા said,

    March 14, 2009 @ 9:37 AM

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
    એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

    સુઁદર અભિવ્યક્તિ

  7. KIRANKUMAR CHAUHAN said,

    March 14, 2009 @ 10:23 AM

    વિવેકપૂર્ણ સાહજિકતા.સર્જનમાંય વિવેક અને સમીક્ષામાંય વિવેક. મઝા પડી.

  8. ઊર્મિ said,

    March 14, 2009 @ 10:33 AM

    ખૂબ જ સુંદર ગઝલ…! અભિનંદન વિવેકભાઈ…!

    મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
    જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
    એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

    આ બે શે’ર તો ખૂબ જ ગમી ગયા…!

  9. Nimbus said,

    March 14, 2009 @ 11:42 AM

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
    એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

    વાહ વાહ….. મજા પડી ગઈ

  10. P Shah said,

    March 14, 2009 @ 12:18 PM

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો….

    સરસ રચના !

    અભિવ્યક્તિની સહજતા ઊડીને આંખે વળગે એવી છે.

    અભિનંદન !

  11. sudhir patel said,

    March 14, 2009 @ 12:25 PM

    ‘સહજ’ની એવી જ સહજ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. Chetan Framewala said,

    March 15, 2009 @ 2:14 AM

    સુંદર ગઝલ માટે આભાર………..

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  13. Abhijeet Pandya said,

    March 15, 2009 @ 5:18 AM

    થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
    એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

    સુંદર રચના.

  14. અનામી said,

    March 15, 2009 @ 10:21 AM

    સરસ ગઝલ.

  15. sunil shah said,

    March 15, 2009 @ 10:51 AM

    મુખમાંથી વાહ..! શબ્દ સરી પડયો. સરસ ગઝલ. એવું જ સરસ રસદર્શન વાંચ્યા પછી કશું વધુ લખવું સૂઝતું નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment