ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
અંકિત ત્રિવેદી

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Chhe paankh bhagya ma kintu

(ખાસ ‘લયસ્તરો’ માટે પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

છે પાંખ ભાગ્યમાં કિંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

-પંકજ વખારિયા

પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?

18 Comments »

 1. RAMESH K. MEHTA said,

  February 28, 2009 @ 1:31 am

  સુન્દર ગઝલના મલિક

 2. neha said,

  February 28, 2009 @ 2:10 am

  “પડી છે સંપદા ભીતરમાં પણ ધરા ઉજ્જડ” પંક્તિ આકર્ષક, સમગ્ર રચના સુંદર…..

 3. Bhargav said,

  February 28, 2009 @ 4:19 am

  વાહ ખુબજ સરસ…
  “હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
  હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.”….

 4. pragnaju said,

  February 28, 2009 @ 7:21 am

  સર્વાંગ સરસ ગઝલના આ બે શેરો ખૂબ ગમ્યા
  પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
  નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

  ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
  પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?
  મારા મનમાં કેટકેટલા કાવ્યાઅધ્યાસો જાગ્રત થઈ ઊઠતા ! કવિ રાજેન્દ્ર શાહનો નિરુદેશે ભ્રમણનો સંકલ્પ મારી અંતરગુહામાં પડઘાતો ! કવિ નિરંજન ભગતની પ્રસિદ્ધ કાવ્યપંક્તિઓ પણ મારે સ્મરણે ચઢતી;
  ‘હું તો બસ, ફરવા આવ્યો છું….
  હું ક્યાં મારું કે તમારું
  એક્કે કામ કરવા આવ્યો છું ‘
  બહુ તત્વચિંતનયુક્ત કાવ્યપંક્તિ છે આ ! જળકમળવત્ સ્થિતિ પ્રાપ્ત કરવી તે મોટી સાધના માગી લેતી બાબત છે.

 5. bharat joshi said,

  February 28, 2009 @ 8:23 am

  ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
  પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

  ખુબ સરસ

 6. KIRANKUMAR CHAUHAN said,

  February 28, 2009 @ 11:01 am

  છેલ્લા બે શેઅર અતિઉત્તમ.

 7. અનામી said,

  February 28, 2009 @ 7:44 pm

  બધા જ શેર ઉત્તમ થયા છે. ખુબ જ સરસ ગઝલ.

 8. kantilalkallaiwalla said,

  February 28, 2009 @ 8:20 pm

  short and sweet.Full and fine.Best and beutiful.I like this Ghazal.I enjoy this ghazal.

 9. Vipool Kalyani said,

  March 1, 2009 @ 1:14 am

  Very good piece of poetry. Congratulations, Pankajbhai Vakharia.

 10. Prabhulal Tataria"dhufari" said,

  March 1, 2009 @ 2:58 am

  શ્રી વિવેકભાઇ
  આપે મોકલાવેલ રચના અતિઉત્તમ છે પણ એના બાબત કંઇ મંતવ્ય વ્યક્ત કરવું સહેલું નથી.ક્યા શ્’રને દાદ આપવી ને ક્યાને નહિ એ જરા મુસ્કેલ કામ છે કોઇ પણ એક શે’રને શ્રેષ્ઠ કહેવો એ અન્ય શે’રનું અપમાન છે,કારણ કે બધા ઝગારા મારતા રત્નો છે.
  આભાર
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 11. Sandhya Bhatt said,

  March 1, 2009 @ 6:16 am

  ખરેખર કોઈ એક શેર પસંદ કરવાનો હોય તો અઘરું પડે તેમ છે. અભિનંદન, પંકજભાઈ.

 12. sunil shah said,

  March 1, 2009 @ 6:30 am

  ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
  પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

  વાહ…પંકજભાઈ..! સુંદર શેર.

 13. Maheshchandra Naik said,

  March 1, 2009 @ 9:28 am

  સુન્દર ગઝલ અને દરેક શેર લાજવાબ, થોડામા ઘણુ કહ્યુ , શ્રી પન્કજભાઈને અભિનદન અને ડો વિવેક્ભાઈ તમારો આભાર ગઝલને અમારા સુધી લઈ આવવા બદલ્…………………..

 14. urvashi parekh said,

  March 1, 2009 @ 11:17 am

  છેલ્લા બે શેર સરસ છે.
  વ્યથા માટે કોઇ દીવસ મહેનત કરવી નથિ પડતી.
  અને દર્દ નુ વ્યસન ના હોય તો આંખ માં પાણી તો વગર પુછ્યે આવી જાય કેમ ને?
  સરસ છે.

 15. sudhir patel said,

  March 1, 2009 @ 8:22 pm

  સર્વાંગ સુંદર ગઝલ, છતા છેલ્લા બે શે’ર ગઝલનાં શિરમોર શે’ર કહી શકાય.
  સુધીર પટેલ.

 16. Pinki said,

  March 2, 2009 @ 8:17 am

  હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
  હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

  છે પાંખ ભાગ્યમાં કિંતુ ગગન નથી એથી,
  ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

  વાહ્… બહુત ખૂબ પંકજભાઈ !!

 17. dharamveer said,

  March 3, 2009 @ 4:25 am

  ખુબજસરસ i like it very much

 18. utsavraval said,

  March 5, 2009 @ 5:44 am

  તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
  પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

  સુંદર ગઝલ,
  પંકજભાઈ
  ડો વિવેક્ભાઈ તમારો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment