જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર
– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

ભીડથી ભીતર સુધી (ભાગ:૨) – મહેશ દાવડકર

મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !

ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.

ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?

ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !

દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.

તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.

સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.

જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

17 Comments »

  1. 'Jay' Naik - Surat said,

    February 27, 2009 @ 12:44 AM

    Khubj saras shero ane te pan aagvi bhat padta ane bijathi juda padi jata shero je wachakna hriday par potani kayami chhap chodi jaai che.
    Wah Maheshbhai wah! allah kare joure kalam aur bhi jyada.

  2. Meena Chheda said,

    February 27, 2009 @ 12:51 AM

    પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
    વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

    સરસ

  3. pradip sheth said,

    February 27, 2009 @ 1:24 AM

    જીવુછુ એવુ લાગે ………

    કેટલી. વેદના સભર વાત કેટ્લી સહજ રીતે રજુ કરી છે……

    પ્રદીપ શેઠ
    ભાવનગર

  4. Rajesh Trivedi said,

    February 27, 2009 @ 1:40 AM

    જીવું છું એવું લાગે એથી તો,
    રોજ થોડો તનાવ રાખું છું………..
    ખુબ જ વેદના ટપકતી દેખાય છે અહીંયા. સુંદર રચના

  5. કુણાલ said,

    February 27, 2009 @ 3:48 AM

    અહીં નઝર કરેલો દરેકેદરેક શેર વાહ પોકરાવે એવો છે… !!

  6. pragnaju said,

    February 27, 2009 @ 6:02 AM

    મઝાની ગઝલના બધા સુંદ્દર શેરમા આ વધુ ગમ્યા
    સારું થયું કે એની નજર મારા પર પડી,
    આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

    હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
    મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.
    ——–
    તારા શરમાતા ચહેરા પર
    નવી ગઝલની રાહ જોઉં છું

  7. Sandhya Bhatt said,

    February 27, 2009 @ 7:06 AM

    એક પછી એક સ્વાનુભૂતિની પ્રતીતિ કરાવતાં અશઆર વાંચવાની મઝા આવી ગઈ.

  8. Pinki said,

    February 27, 2009 @ 11:33 AM

    હમણાં જ એક મિત્રનો s.m.s. હતો એમને ઍવોર્ડ ખરીદવાની ઑફર આપવામાં આવી છે. ?!!!

  9. Pinki said,

    February 27, 2009 @ 11:40 AM

    સૉરી, હરસુખભાઈના બ્લૉગ પર કૉમેન્ટ લખવાની જગ્યાએ અહીં કૉપી-પેસ્ટ થઇ ગયું છે.

  10. ડો.મહેશ રાવલ said,

    February 27, 2009 @ 1:33 PM

    આ ભાવના,પોતાની જાતને “કંઈક” ગણતી કે સમજતી દરેક શખ્સિયતે વિકસાવવા અને ખરા અર્થમાં અપનાવવા જેવી નથી ?
    પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
    વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

    -કવિને એમની ઉત્તમ ભાવ ઉત્પતિ અને અભિવ્યક્તિ માટે અભિનંદન.

  11. ધવલ said,

    February 27, 2009 @ 7:34 PM

    ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
    કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

    – સરસ ! અભિનંદન !

  12. KIRANKUMAR CHAUHAN said,

    February 27, 2009 @ 11:18 PM

    ઉત્તમ શેરોનું ઉત્તમ સંકલન. મહેશભાઇ અને વિવેકભાઇ બંનેને અભિનંદન.

  13. raeesh maniar said,

    February 28, 2009 @ 12:10 AM

    સુંદર માનવી અને સુંદર કવિ મહેશભાઇ, તમારી સભાન જીવનયાત્રા અને એથીય વધુ સભાન કાવ્યયાત્રાના પરિપાકરૂપે નીપજેલા આ પાણીદાર સંગ્રહનું સ્વાગત છે. તમારો આ શેર મને ખૂબ જ ગમે છે.

    સાવ પરપોટા સમી છે આ ખુશી
    હું ય એને જોંઉં હરખાયા વગર
    પણ પુસ્તકદેહે પ્રગટવાની આ ખુશી પરપોટા સમી પણ નથી અને તમે એને હરખાયા વગર જુઓ એ ય નહીં ચાલે. પ્રભુ તમારા જીવનને પ્રસન્નતાઓ થી ભરી દે અને ભીડમાં અને ભીતરમાં બન્ને સ્થળે મેળાનો અનુભવ કરાવે એવી અભ્યર્થના..

    રઈશ મનીઆર

  14. સુનિલ શાહ said,

    February 28, 2009 @ 2:29 AM

    ભીડથી ભીતર સુધી જવાના ઉપક્મથી પ્રગટેલા ભાવોની સરસ મઝાની ઝલક અહીં આપી છે..આખો સંગ્રહ હજી મેળવી શક્યો નથી…આતુરતાથી રાહ જોઉં છું..અઅભાર વિવેકભાઈ.

  15. Pinki said,

    February 28, 2009 @ 3:32 AM

    તારી લીટી કરું હું લાંબી લે,
    મારી લીટી ભલે ને નાની થઈ.

    આગળ વધવામાં જાત જ આડી આવે છે,
    જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

    પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
    વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

    બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
    આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

    ભીડમાં પણ ભીતર સુધી ઝાંખી શકેલું મન જ આવું વિચારી શકે. કારણ,
    આતમદીવો પ્રગટાવવા માટે લોહીનું પાણી કરી ભીતરમાં આગ પેટાવી પડે.

    આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
    આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

  16. mahesh dalal said,

    March 1, 2009 @ 12:36 PM

    વાહ મહેશ્ ..વેદના ના વમળ ..બહુ ગહેરા હૉય્.,… શ્બ્દોમા ખુબ ઝિલિ …
    અભિનન્દન્. શુભકામ્ ના..

  17. GAURANG THAKER said,

    March 6, 2009 @ 10:01 AM

    વાહ મ.દા. તમે તો ઉત્તમ જ લખો છો…
    આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
    આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment