સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર!
યામિની વ્યાસ

લોહીનું પાણી થયું – મહેશ દાવડકર

Mahesh Dawadkar - Lohi nu paani
(ખાસ લયસ્તરો માટે મહેશ દાવડકરના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું,
ને ડૂમો પીગાળવામાં લોહીનું પાણી થયું.

આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.

આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.

લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

કેટલાક ગઝલકાર કૌવત કે કૌશલ્ય ન હોવા છતાં છાપરે ગાજીને પોકારતા રહે છે તો કેટલાક સંત ગઝલકાર એક ખૂણામાં પોતાની શબ્દની ધૂણી જગાવીને બેફિકર નિસ્પૃહ સાધનામાં રત રહે છે. મહેશ દાવડકર આ સંત કોટિના ગઝલકાર છે. સુરતમાં રહે છે. મજાના ચિત્રો દોરે છે. ઓછું લખે છે પણ આછું નથી લખતા. કોઈપણ જાતની પ્રસિદ્ધિની ખેવના વિના એ કળાને માત્ર કળાની રૂએ આરાધે છે અને પરિણામે એમની ગઝલમાં એક નકારી ન શકાય એવી ચુંબકીયતા જોવા મળે છે. જુઓ આ દાદુ ગઝલ… લોહીનું પાણી થયું જેવી રદીફને જે કુશળતાથી એમણે નિભાવી છે એ ખરેખર કાબિલે-દાદ છે…

10 Comments »

  1. gopal parekh said,

    October 11, 2008 @ 5:17 AM

    ખરેખર આ દાદુ ગઝલ કાબિલે દાદ ,શુભાન અલ્લા

  2. Pinki said,

    October 11, 2008 @ 8:24 AM

    પાંચેય શેર કાબિલે દાદ……

    લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
    કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.

  3. ડૉ. મહેશ રાવલ said,

    October 11, 2008 @ 1:30 PM

    લાગણી કયારેય સસ્તી ન હોઈ શકે,એનું સિંચન-જતન કરતાં લોહીનું પાણી થઈ જાય….
    જો કે અત્યારના સમયમાં લાગણીશીલ હોવું ય જાણે કે સંગીન ગુન્હો છે…!!
    યાદ આવી મારી જ પંક્તિ-

    ભૂલ થઈગઈ લાગણીશીલ થવાની
    ત્યારથી,આ લોહીઊકાળા થયાં છે

    અહીં પ્રસ્તુત ગઝલ પણ લોહીનું પાણી થતાં-થતાં સર્જાયેલી સર્જકતા છે.
    સુંદર અને સળંગ ભાવ સાતત્ય સરાહનીય છે-અભિનંદન મહેશભાઈ!

  4. pragnaju said,

    October 11, 2008 @ 2:18 PM

    કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
    દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.
    આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
    આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.
    સરસ પંક્તીઓ
    યાદ આવી
    रगोमे दौडते फिरनेकि हम नही कायल
    जब आंख ही से ना टपक़ा तो फिर लहुं क्या है?
    ये रश्क हैं की वो होता है हम-सुखन तुमसे
    वगरना खौफ़-ए-बद अमोझी-ए-अदू क्या है?

  5. મન્સૂરી તાહા said,

    October 12, 2008 @ 11:28 PM

    કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
    દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.
    ખરેખર દાદુ ગઝલ.

  6. સુનિલ શાહ said,

    October 13, 2008 @ 2:05 AM

    સુંદર ગઝલ..ત્રીજો અને પાંચમો શેર સ્પર્શી ગયા..

  7. ઊર્મિ said,

    October 13, 2008 @ 4:34 PM

    ખૂબ જ સુંદર ગઝલ… પાંચેય શેર ગમી ગયા.

    અભિનંદન મહેશભાઈ !

  8. vinod said,

    October 14, 2008 @ 11:55 AM

    કેમ આવ્યો ચિત્રનો ઊઠાવ એ તું જાણે છે ?
    દોસ્ત! રંગો પુરવામાં લોહિનું પાણી થયં !

    ખૂબ જ સુંદર ગઝલ…..! બહોત ખૂબ ….

  9. Abhijeet Pandya said,

    September 8, 2010 @ 5:32 AM

    સરસ રચના.

    આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
    આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.

    ” દુબારા ” કહેવું પડે એવો શેર.

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

  10. Dharmesh Surti said,

    January 20, 2011 @ 6:38 AM

    મહેશભાઇ ખુબ જ સુન્દર રચના. આફરિન થઇ જવાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment