સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

15 Comments »

 1. jayshree said,

  September 26, 2008 @ 2:02 am

  વાહ… મઝા આવી ગઇ. ( સાથે અમે રહી ગયા, એવો અફસોસ પણ થયો..)
  અહેવાલનો બીજો ભાગ કાલે જ આપજો.. વધુ રાહ ન જોવડાવશો.

  આભાર રઇશભાઇ – વિવેકભાઇ.

 2. pragnaju said,

  September 26, 2008 @ 8:17 am

  ખૂબ સરસ
  હવે આવા કાર્યક્રમની ઓડીઓ વીડીઓની આશા વધારે પડતી ન ગણાય
  અમે તો એટલા નસીબદાર કે ગનીચાચાને તેમની દુકાને જાતે સાંભળવાનો લહાવો મળેલો!

 3. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  September 26, 2008 @ 8:21 am

  ભરાયો છે ગનીની યાદોનો મુશાયરો
  એની ગઝલો ગાઈ રહ્યા છે શાયરો…

  વાહ કરું કે આહ ભરું દુર દુર અહીં
  આજ તો વાયો છે યાદોનો વાયરો….

  ગરીબ ગની તો હતો શબ્દોનો ધની
  વાત વાતમાં ભરતો હતો એ દાયરો…

  ગનીકાકા તો ગનીકાકા જ હતા..એમને આમ વેબ દુનિયા પર જીવતાં કરવા બદલ સહુને ધન્યવાદ!!
  નટવર મહેતા.

 4. વિવેક said,

  September 26, 2008 @ 8:27 am

  પ્રિય પ્રજ્ઞાબેન,

  આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ગુજરાત’ ચેનલે કર્યું હતું અને રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ શ્રી રૂપિન પચ્ચીગરને પણ આ સંદર્ભે જણાવ્યું છે એટલે આ ઘટનાનું વીડિયો કવરેજ મોટા ભાગે મળવું જ જોઈએ એમ હું માનું છું. અને મને મળશે તો એ નેટ-ગુર્જરીને પણ મળશે જ એની ખાતરી પણ આપું છું….

 5. ધવલ said,

  September 26, 2008 @ 9:29 am

  ગનીચાચાને સલામ ! એમની કવિતા ઉપરાંત.. એ સ્મિત અને સાલસ પણ ભૂલવા અશક્ય છે.

 6. ઊર્મિ said,

  September 26, 2008 @ 9:29 am

  વાહ દોસ્ત… ખરેખર મજા આવી ગઈ ! ચા.ગુ.માં નહીં આવેલાને જેટલો અફસોસ થયો હશે એટલો જ મને પણ આજે થયો હોં…! આ તો થોડા જ દિવસોમાં તેં બધુ વસૂલ કરી નાંખ્યુ. 🙂

  સુંદર અહેવાલ બદલ આભાર વિવેક… આભાર રઈશભાઈ !

  (ચાલ, જલ્દી જલ્દી બીજો ભાગ મૂક તો હવે…!)

 7. Vijay Shah said,

  September 26, 2008 @ 9:59 am

  સરસ
  મઝા આવી ગઈ
  વધુ વિગત -ઓડીયો અને વીડીયો મુકાય તો ખરેખર મઝા આવશે.

 8. ભાવના શુક્લ said,

  September 26, 2008 @ 10:02 am

  આ (ક્રમશઃ) શબ્દ ને લયસ્તરો શબ્દકોષ માથી કાઢી ના શકે????? ઊર્મીની જ વાતના અનુસંધાનમા કહુ છુ…
  બધુએ સરસ છે સરસ છે અહી આ,
  “(ક્રમશઃ)” વાચવુ તે કદી ના સ્વિકારુ

 9. vinod said,

  September 26, 2008 @ 12:20 pm

  અતિ ઊતમ બહુ મઝા આવીગઈ.સરસ.ધવલ અને વિવેકભાઈ ને ધન્યવાદ્

 10. ડૉ. મહેશ રાવલ said,

  September 26, 2008 @ 12:42 pm

  જો હૃદયની આગ વધી’ગની’
  તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી
  કોઈ શ્વાસ બંધ કરી ગયું
  કે,પવન ન જાય અગનસુધી…!

  અને,
  ફકત આપણે તો જવું હતું અહીં એક-મેકનાં મન સુધી……
  .
  જેવી, લાગણીના અનંત મે’રામણને કાયમ વલોવ્યાં કરે એવી પથ્થર ફાડ કૂંપળની ખુમારી ભરેલી પંક્તિઓથી સભર ગઝલોના સર્જક જનાબ ગની દહીવાલા જેવા શાયરો,આપણી ગુર્જર ગઝલ પરંપરાના આરાધ્ય ઈષ્ટ કહી શકાય.(અને સુરત તો “ગઝલનું કાશી” છે એમ કહું તો,જરાય અતિશયોક્તિ નહીં ગણાય ખરુંને વિવેકભાઈ !)
  એમની જન્મશતાબ્દિ પર્વના આયોજનમાં સહભાગી,નામી-અનામી દરેકને કોટિ-કોટિ ધન્યવાદ
  અને,સમગ્ર આયોજન બદલ કવિમીત્રો શ્રી રઈશભાઈ,વિવેકભાઈ,ગૌરાંગભાઈ વિ.ને અને ખાસ લયસ્તરોને ‘અમને બધાને’ કાર્યક્રમનો આસ્વાદ કરાવવા બદલ અભિનંદન.

 11. uravshi parekh said,

  September 26, 2008 @ 11:20 pm

  બહુ સરસ,વિવેક ભાઈ અને ધવલ ભાઈ.
  બહુ ગમ્યુ.
  મન એકદમ ખુશ થઈ ગયુ.
  તમે ઘણા બધા ને,કેટલા બધા ખુશ કરિ શકો છો.
  ઘ્ણુ બધુ લખવુ છે,પણ બહુ વાર લગે છે,
  કોઇ ભુલ થાય તો માફ કરશો.
  બહુ સારુ લાગ્યુ.
  આભાર.

 12. મન્સૂરી તાહા said,

  September 26, 2008 @ 11:33 pm

  ગનચાચાને તેમના જ શેર દ્વારા અંજલિ આપીએ.

  જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
  હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

 13. chetu said,

  September 27, 2008 @ 7:29 am

  ખુબ સરસ અહેવાલ … આભાર ..!

 14. Maheshchandra Naik said,

  October 2, 2008 @ 7:28 pm

  Dr. Vivekbhai, I have listen and seen Shri Ganischacha at his tailoring shop, located at Subhash chowk, Gopipura as i was staying at Darufaliya, Gopipura. I also understand audio/vedio will be more enjoyable by readers of LAYSTARO and I have already register my name with you. You did at GREAT work by giving us KADI 1 & KADI 2.Thanks, MAZA AAVI GAI.

 15. sanjay pandya said,

  October 4, 2008 @ 4:45 am

  ગની દહીવાલા જન્મશતાબ્દિ પર્વના આયોજન તથા અહેવાલ બદલ ધન્યવાદ્ …ઘણી બધિ પન્ક્તિ યાદ આવે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment