જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એ શહેર – પ્રીતિ સેનગુપ્તા

હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ  પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.

આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.

નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.

– પ્રીતિ સેનગુપ્તા

મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને /  મળતી વિશ્વ તણી વિશાળતા.

4 Comments »

 1. pragnaju said,

  September 9, 2008 @ 8:13 am

  આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
  વર્ષોથી અહીં પડી રહેલી
  પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
  પછી ગોઠવાઈ જાઉં છું
  પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
  નવાં નવાં લઘુનગરોના
  અપરિચિત આકારોમાં.
  હ્રુદય સ્પર્શી બે વતનની અનુભવ વાણી

 2. Jay Gajjar said,

  September 9, 2008 @ 10:58 am

  તમે સ્રરસ રિતે વતનની યાદ ખડી કરી છે. અભિનંદન. ઊમિ સભર કાવ્ય.

 3. Ruth said,

  September 9, 2008 @ 6:31 pm

  I am visiting here after a long time. And as I am alone in this strange-world here. I feel this poem straight in my heart. As Dhaval Said..He felt completely different when he went to surat…But I don’t want to be in that situation when I go there. So, I hope I “my surat won’t be changed soo much”..Thanks Dhaval.

 4. વિવેક said,

  September 10, 2008 @ 12:41 am

  સુંદર વેદનાસિક્ત કાવ્ય… વતનથી વેગળા થવાનું અને એ પછી વતનમાં પોતાની ઓળખાણ ગુમાવી દીધી હોવાની વાત જાણવાનું અને પચાવવાનું કેટલું કપરું છે એ તો મૂળિયાથી અલગ થનાર વૃક્ષ જ કહી શકે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment