તું મળે છે એટલે તહેવાર છે*,
બાકીનું સૌ મારે મન વહેવાર છે.
વિવેક મનહર ટેલર

લે પૂળો મૂક્યો – રન્નાદે શાહ

સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો

ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે

મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો

બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે,રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો

નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો

-રન્નાદે શાહ

‘લે પૂળો મૂક્યો’ કહીને કવિ જે લય અને ઉપાડ લઈ ગીત જન્માવે છે એ એની અનવરુદ્ધ ગતિના કારણે વાંચતી વખતે શ્વાસ અટકાવી દે એવું મજાનું થયું છે. પંક્તિએ પંક્તિએ શબ્દ-પ્રયોગોનું અલગ-અલગ રીતે પણ એકધારું થતું રહેતું અનવદ્ય પુનરાવર્તન મજાના અર્થવલયો પણ સર્જે છે.

14 Comments »

  1. pragnaju said,

    June 15, 2008 @ 1:56 PM

    સરસ રચના
    મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
    તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો
    વાહ્
    આ જગતમાં વાણી માત્ર સત્યાસત્યથી બહાર છે.એને સત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય,અસત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય.એ બેઉ આગ્રહપૂર્વક બોલાય એવું નથી. સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઊભું રહેશે,એવા જગતમાં સત્ય-અસત્યની ઉપર લે પૂળો મૂક્યો…

  2. Pravin Shah said,

    June 17, 2008 @ 5:14 AM

    શબ્દ અને લયની એક નવી જ ભાત પાડતું સુંદર ગીત!

  3. Vijay shah said,

    June 17, 2008 @ 9:36 AM

    સુંદર ગીત
    આભાર વિવેકભાઈ

  4. Suresh Jani said,

    June 17, 2008 @ 10:10 AM

    સરસ લય અને ભાવવાળું, જીવનમાં ઉતારવા જેવું ગીત.

  5. Paresh said,

    June 17, 2008 @ 10:31 AM

    જીવન જોત જોતા મા કેવુ બદલાયી ગયુ ,
    આવ્યો હતો કવિતા વાન્ચવા અને એક સરસ ગીત મલી ગયુ,
    શાહે એવુ તે શુ લખ્યુ કે મારુ મન મોહી ગયુ,
    જીવન જોત જોતા મા કેવુ બદલાયી ગયુ …

    Perry Joe

  6. પંચમ શુક્લ said,

    June 18, 2008 @ 6:03 AM

    ગીત મજાનું છે. લય અને શબ્દચયન, પુનરાવર્તન મનમોહક છે.

  7. gopal parekh said,

    June 18, 2008 @ 6:13 AM

    લય અને ભાવ સભર તબિયત લીલીછમ્મ કરી દે તેવું મીઠું મધ જેવું ગીત

  8. jugalkishor said,

    June 18, 2008 @ 7:01 AM

    બહાર રણની રેતી અને ભીતર નગરની સુમસામ એકલતા !

    બંને બાજુ નકરી છલના વચ્ચેના જીવનની નરી વાસ્તવીકતા. મ્રુગજળ અને નાગરીકી જીવનની વાત ! બહુ જ બળુકા શબ્દો અને ઘુંટાયેલા લય દ્વારા સર્જક કેવું કામ લઈ શકે છે !!

    “ચારે પગમાં બાંધી જળને”…અને “ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે” આ શબ્દો દ્વારા ઉભાં થતાં ચીત્રો ભારે અસર ઉભી કરે છે.

    નગરની વાત પણ એવી જ અસરકારક રીતે મુકાઈ છે. સર્જકને તો સલામ જ, પણ અહીં મુકનારનેય ધન્યવાદ આપવા જ ઘટે છે.

  9. Rajendra said,

    June 18, 2008 @ 8:17 AM

    પ્રિય વિવેક,
    અમે ફોરિડા ના મેક્સિકો ના અખાત ના ફોર્ટમાયર ના કીનારે ખારા પાણીમા તરીએ,
    ને આ કાવ્ય વાચીને આ એકાઁત ભુલતા પુળો મુકી ગુજરાતી ને ગુજરાત્,

  10. Rajendra said,

    June 18, 2008 @ 8:24 AM

    પ્રિય વિવેક,

    અમે ફલોરિડા ના મેક્સિકો ના અખાત ના ફોર્ટમાયર ના કીનારે ખારા પાણીમા તરીએ,
    ને આ કાવ્ય વાચીને આ એકાઁત ભુલતા પુળો મુકી ગુજરાતી ને ગુજરાત પાછા ફર્યા.

    રાજેન્દ્.

    http://www.yoaeast.net

    Please,Give our best to poet Rannade Shah.

  11. Rannade Shah said,

    November 8, 2025 @ 3:11 PM

    આભાર વિવેકભાઈ.
    મારાં ગીતથી ખુશ થનારા સર્વેનો ખૂબ આભાર.
    ખરે જ,આભાસી જીવન(!) કેવું છલે છે!
    હું આજે જ આ પેજ સુધી આવી છું..એ ય કેવું અજબ!!

  12. વિવેક said,

    November 8, 2025 @ 6:11 PM

    @રન્નાદે શાહ:

    આપની ઉપસ્થિતિથી ખૂબ આનંદ થયો… સાચું કહું, તો આપના વિશે કશું જાણતો જ નથી… આપની વધુ કવિતાઓ વાંચવા મળી શકે? ઇમેલ કરશો જી: vmtailor@gmail.com

    આગોતરો આભાર

  13. Kishor Ahya said,

    November 12, 2025 @ 2:12 PM

    ખુબજ સરસ અર્થ લઇને આવેલું આ ગીત વાચતા વાચતા એવું તો ભાવિ જાય છે કે જીવનમાં વ્યર્થ ખેંચતાણ અનુભવતી કોઈ બાબતો ઉપર આપણને પણ પૂળો મુકવાનું મન થઈ જાય.ગામઠી ભાષા ના આ શબ્દ છે એનો સરળ અર્થ કોઈ બાબતને પળતી મૂકવી કે પડતી મૂકવી,એને જીવનમાંથી કાઢી નાખવી. “ચાસ” પણ ગામઠી શબ્દ છે ખેતરમાં લાઈનબંધ ઊભેલા છોડને ચાસ કહે છે.

    કાવ્યની શરૂઆત ધમાકેદાર થઈ છે જીવનમાં કેટલાક વ્યર્થ જણાતા સંબંધો જ્યાં કોઈ લાગણી પ્રેમ કે પોતાપણું હોતું નથી આવા સંબંધો મનુષ્ય ખેંચ્યા કરતો હોય છે, કવિયત્રી કહે છે,
    “સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો”

    સમગ્ર ગીત નો ભાવાર્થ જોઈએ તો “ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે” “ચારે પગમાં બાંધી જળને, આ રણમા ચાલતું પ્રાણી, ઉટ ના અનુસંધાને છે. રણમા પાણી માટે તરસતું મૃગ, ઝાંઝવા ને પાણી સમજી દોડ્યા કરે છે, મનુષ્ય પણ આવી પૂરી ન થઈ શકે તેવી આશાઓ (મૃગ તૃષ્ણા )લઈને દોડ્યા કરે છે અને પરિણામ ..ફક્ત ને ફક્ત એકલતા .
    કવિયત્રી કહે છે આવી મૃગ તૃષ્ણા પર પૂળો મૂક્યો.

    પછીની પંક્તિમાં વધતા જતા શહેરીકરણની વાત છે .નગરની દીવાલો ક્યાંને ક્યાં સુધી પહોંચી ગઈ છે.

    “બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે,રોજ વધે દીવાલો
    બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો”
    “નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
    ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો”

    શહેરીકરણ નું પરિણામ ખાલીખમ જગ્યાઓ, ખાલીખમ રહેતા આવાસો, અહીંનો સન્નાટો અને એકલતા જીરવવી મુશ્કેલ છે કવિયત્રી કહે છે, આવી એકલતા પર પૂળો મૂક્યો.વારંવાર પુનરાવર્તન થતા શબ્દોથી કાવ્યની લય સરસ બની છે અને કાવ્ય બોધ સ્પષ્ટ બન્યો છે. આવું સરસ ગીત આપવા માટે કવિયત્રી સુ શ્રી રન્નાદે શાહને ખૂબ ખૂબ અભિનંદન.

    શ્રી.વિવેકભાઈએ પણ સરસ ગીત પસંદ કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  14. Kishor Ahya said,

    November 12, 2025 @ 5:23 PM

    પૂળો એટલે જુવાર બાજરી કે ઘઉં કે અન્ય કોઈ વનસ્પતિ જે ખેતરમાં ઉગે છે તેના પાંચ /પચીસ ડંડા ભેગા કરી સાથે બાંધવા અને પૂળો મૂકવો એટલે તેને દીવાસળી ચાપવી અથવા સળગાવી દેવું એવો અર્થ છે.

    ચારે પગમાં જાળને બાંધી દોડે છે એ પ્રાણી ઉટના સંબંધમાં એટલે લાગે છે કે ઊંટની અંદર પાણીની કોથળી હોય છે જે રણમા પાણી ન મળે ત્યારે જીવવા માટે થઈ કાઢી લેવામાં આવે છે, તો પણ અહીં જળ માટે થઈને મૃગ દોડતું હોય મૃગનો અર્થ વધુ ઠીક લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment