ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

પગલાં -સુંદરમ

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.

Leave a Comment