ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !
હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વજનને પત્ર – ગુલામમોહમ્મદ શેખ

(નીલિમા, સમીરાને)

હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

– ગુલામમોહમ્મદ શેખ

કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !

5 Comments »

  1. Pinki said,

    March 18, 2008 @ 12:30 AM

    સ્ટેશન/ઍરપોર્ટ પર સ્વજનને મૂકવા જવું ઘણું કઠિન છે,
    અને એમાં પણ પરદેશ જતાં હોય ત્યારે તો સાચે જ
    કવિ કહે છે એમ, આપણામાંથી કશુંક જતું રહેતું હોય તેમ લાગે !!

    ખૂબ જ સુંદર હૃદયસ્પર્શી અભિવ્યક્તિ !

  2. વિવેક said,

    March 18, 2008 @ 2:33 AM

    ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ આવી જાય છે:

    ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા પરસ્પર વિરોધી દિશામાં અને સમાન હોય છે…

  3. pragnaju said,

    March 18, 2008 @ 8:35 AM

    સુંદર અછાંદસ
    દરેક વિદાય વખતે
    વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
    ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.
    સાચી વાત…
    કદાચ હૈયાસૂનાને નહીં સમજાય
    પણ અમને તો વિદાય કરેલાનો અંશ
    પણ અનુભવાયો!
    સંતો કહે છે તેમ
    આ ભાડુતી ઘરને ખાલી કરીને સૌએ એક દિવસે એકાએક વિદાય થવાનું છે, એ વાતનું સ્મરણ પણ તેને રહેતું નથી, ને સંસારની ભાડુતી ધર્મશાળાને પોતાની માની, આ સંસારમાંથી કોઈવાર જાણે વિદાય થવાનું જ ના હોય એમ સમજી લઈ, તે અનેક જાતની સારીનરસી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. સંસારને છોડીને જવાનું તેમને કડવું લાગે છે. મરણપથારીએ પડેલો માણસ સંસારને યાદ કરીને રડે છે. વિદાય લેવાનો વખત આવે છે, ત્યારે તેની નજર સામે સંસારના માયાવી રૂપો હાજર થાય છે, તેની મતિ મુંઝાય છે, નસો ખેંચાય છે, ને તેનો પ્રાણ કેમે કરીને શરીરમાં થયેલી મમતાનો ત્યાગ કરવા માટે તૈયાર થતો નથી.

  4. shriya said,

    March 18, 2008 @ 10:35 PM

    દરેક વિદાય વખતે
    વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
    ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.

    વિદાઈ વેળાની લાગણીને ખુબ સરસ રીતે કવિએ અભિવ્યકત કરી છે!

  5. shaileshpandya BHINASH said,

    March 19, 2008 @ 4:13 AM

    nice………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment