અલગ રાખી મને, મુજ પર પ્રણયના સૂર ના છેડ
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો !
બેફામ

નગર એટલે – શ્રીકાંત માહુલીકર

નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.

– શ્રીકાંત માહુલીકર

5 Comments »

 1. pragnaju said,

  February 5, 2008 @ 11:36 am

  આ અછાંદસ રચના તરીકે ઠીક છે બાકી અમે બેવતનીઓને આવી કલ્પના રુચીકર ન લાગી.
  યાદ આવ્યાં વારંવાર માણેલા ‘આદિલ’ મન્સૂરી અને અદમ ટંકારવીનાં કાવ્યો…
  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
  ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
  ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
  પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
  પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
  આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
  ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
  પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
  રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
  પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
  વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
  ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
  વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
  અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
  ********************************
  યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
  ડનલોપી સપનાં આવે છે.
  તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
  સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.
  આજકાલ તો તારા બદલે,
  નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.
  પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
  ટાઈપરાઈટર આહ ભરે છે.
  તારા શહેરની રોનક કેવી,
  સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

 2. Harshad Jangla said,

  February 5, 2008 @ 11:31 pm

  કવિ આવા તે ક્યાના નગર ની વાત કરે છે? અછાંદસ માં કંઈ પણ લખવાની છૂટ ?

 3. ધવલ said,

  February 6, 2008 @ 2:04 am

  સંસ્કૃતિના વિકાસમાં નગર એક બહુ અટપટી ઘટના છે. જે સંસ્કૃતિઓએ નગરવ્યવસ્થા અપનાવી તે જ ટકી શકી છે. જે સંસ્કૃતિઓ નગરવ્યવસ્થા અપનાવી ન શકી એ કાળક્રમે વિલુપ્ત થઈ ગઈ. આમ ‘નગર’ કે ‘શહેર’ સંસ્કૃતિઓના વિકાસમાં બહુ મહત્વનું પગલું રહ્યું છે. પણ છેલ્લા બે સૈકાઓથી આપણે મહાનગર નામના મગરમચ્છની સાથે કમને ઓળખાણ કરવી પડી છે. ચારે દિશામાં બેશૂમાર ફેલાતા જતા નગરો એમની સાથે નવી જીવનપધ્ધતિ પણ લાવ્યા, જેણે માણસમાંથી માણસાઈની બાદબાકી કરી નાખી. જે લોકો આ ‘શહેર’ નામની ઘટનાના સૌથી નીચેના સ્તરમાં જીવે છે, એમના જેટલી બદનસીબ જીંદગી માનણજાતના ઈતિહાસમાં કોઈએ જોઈ નથી.

  આ મુખ્ય વિચાર અસંખ્ય કવિતા/વાર્તા/નવલકથા માં વારંવાર આવ્યો છે. …ક્યારેક તો ચવાઈ જવાની હદ સુધી. એટલે આ કવિતાના વિચાર-ફલકમાં કાંઈ નવું નથી. ભાષા અહીં જલદ છે એટલે ભોંકાય છે. ‘સુગર-કોટિંગ’ની કમી આપણી ‘સુંવાળી’ કવિતાઓ વાંચવા ટેવાયેલી નજરને ખૂંચી આવે છે. બાકી નીરંજન ભગતે પણ ‘ મુંબઈ નગરી… પુચ્છ વિનાની મગરી’ એવું ગીત લખ્યાનું સ્મરણ છે. (અત્યારે છંદોલય હાથવગી નથી એટલે ચોક્ક્સ પંક્તિ ટાંકી શકતો નથી.) બક્ષીબાબુ મુંબઈ પર લખેલું આવું જ (કે આનાથીય વધુ) જલદ કાવ્ય આગળ મૂકેલું એ પણ જોશો : http://layastaro.com/?p=230. જેને માટે ‘નદીની રેતમાં રમતું’ લખાયેલું એ જ અમદાવાદ માટે રાધેશ્યામ શર્માએ આ કાવ્ય ( http://layastaro.com/?p=1012 ) લખેલું. ‘એક દિવસ તને કલકત્તા’ નામનું આવું જ કલકત્તા પરનું કાવ્ય પણ મનમાં આવે છે.

  અને હા, કાવ્યની છેલ્લી બે પંક્તિ ધૃણાસ્પદ લાગે એ સ્વાભાવિક છે. એ પંક્તિ ધૃણા જન્માવવા માટે જ લખી છે. ગૂંગળાવનારી, રીબાવનારી, રંહેરી નાખનારી, કોરી ખાનારી બિમારી જેવી અવસ્થાની અભિવ્યક્તિ કોઈ કરે તો એ ‘સોનલ’ અને ‘કાનજી’ વાળા કાવ્યોથી અલગ જ હોવાની.

  આડવાત: હું સુરતમાં મોટો થયો એટલે સુરતને જાણવાનો દાવો તો સ્વાભાવિક હોય જ. પણ એ દાવો ત્યાં સુધી જ ટક્યો જ્યાં સુધી મારે ‘બીજા’ સુરતમાં જવાનું નહોતું થયું. મેડિકલ કોલેજમાં અભ્યાસ દરમ્યાન મારે એક વાર સામટા થોડા અઠવાડિયાઓ લગી સુરતની સૌથી ખરાબ ઝૂંપડપટ્ટીઓમાં એકલા રખડવાનું થયું. જીંદગીમાં પહેલી જ વાર જોવામાં આવ્યું કે સુરતની બીજી બાજુ કેટલી કદરૂપી છે. અહીં અમેરિકામાં જ્યારે ડેટ્રોઈટમાં રહેવાનું થયું ત્યારે અમારી હોસ્પિટલમાં શહેરના સૌથી ખરાબ વિસ્તારમાંથી દર્દીઓ આવતા. જાતે તો એવા વિસ્તારમાં રહેવાનું કે નજીકથી જોવાનું થયું નહીં પણ એ દર્દીઓ પાસે inner city / ghetto ની વાતો જ સાંભળીને કમકમા આવી જતા. એ બધી વાતો અહીં લખવાનું પ્રયોજન નથી પણ ખાલી એટલું કહીશ કે ‘ડ્રગ્સ’ એ શહેરીકરણે જ આપણને આપેલી ભેટ છે. આગળ તો તમે ખુદ વિચારી શકો છો.

 4. વિવેક said,

  February 6, 2008 @ 2:29 am

  પચાવવું અઘરું થઈ પડે પણ નકારવું અશક્ય થઈ પડે તેવું કાવ્ય…. અને ધવલ ! આખો મુદ્દો સુંદર રીતે સમજાવ્યો…

 5. Harshad Jangla said,

  February 6, 2008 @ 1:12 pm

  ધવલભાઈ
  તમારા વિસ્તરિત વર્ણન પછી કાવ્ય-પાચન શક્ય બન્યું છે. આભાર.

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment