મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

પંખાળા દેશમાં – બંકિમ રાવલ

હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
.                  મેલ કાતરિયે વચકો ને વાયદો

થીજે કે ઓગળે આંસુના પ્હાડ
.                  પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
.                  પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
.                  ખરો મારગ છે સાવ જ અલાયદો.

વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
.                  સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
.                  ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
.                  પગપાળા જાતરાનો કાયદો !

– બંકિમ રાવલ

લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…

7 Comments »

 1. GURUDATT said,

  January 26, 2008 @ 10:28 am

  ખૂબ ખૂબ અભિનન્દન બંકિમભાઈને..આભાર… સુન્દર ગીતનું પાન કરાવવા બદલ..ખૂબ નજીક
  અનુભવાય છે …પોતીકુ લાગે છે..હુ પદની..વાહ વાહ..

 2. pragnaju said,

  January 26, 2008 @ 10:50 am

  સુંદર લયબધ્ધ ગીત ગણગણાવ્યું
  હું-પદની પાલખી ઊતરીને ચાલ
  . ખરો મારગ છે આવ જ અલાયદો
  સકળ શાસ્ત્રોનું જ્ઞાન…
  રસદર્શન ન કરાવ્યું હોત તો કેટલીક વાતનો ખ્યાલ ન આવ્યો હોત!

 3. ભાવના શુક્લ said,

  January 28, 2008 @ 2:38 pm

  સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળવી અને ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં ગૂંચો આ શ્વાસની ઉખેળવી…

  સુંદર કલ્પન…

 4. ઊર્મિ said,

  January 30, 2008 @ 2:02 am

  વાહ.. ખૂબ જ મજાનું ગીત… ખૂબ જ મજા પડી!

  કદાચ “આવ જ અલાયદો” નઈઁ પણ “સાવ જ અલાયદો” હશે….. ?

 5. વિવેક said,

  January 30, 2008 @ 8:42 am

  આભાર, ઊર્મિ…. આ બતાવે છે કે તારા જેવા સાહિત્યના સાચા ચાહકો કેટલું ઊંડાણપૂર્વક કાવ્ય વાંચે અને માણે છે! ભૂલ સુધારી લીધી છે…

 6. jignesh patel said,

  February 5, 2008 @ 6:20 am

  ત્મારેી લ્સ

 7. jignesh patel said,

  February 5, 2008 @ 6:31 am

  જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
  મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment