નથી જામતી એક બે અશ્રુઓમાં,
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુધીર પટેલ

અમસ્તો થઈ ગયો – જવાહર બક્ષી

એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો

આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો

આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો

મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

-જવાહર બક્ષી

ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.

બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…

10 Comments »

 1. pragnaju said,

  January 11, 2008 @ 9:45 am

  સુંદર ગઝલ
  પ્રતિભાવ વધુ સુંદર
  મને સૌથી વધુ ગમતૉ પાંચમો અને છેલ્લો શેર
  “મારી પાસેથી તમે ચાલ્યા ગયા
  ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો”
  બે વૃક્ષોની જેમ મુંગા મુંગા માણવાનો છે
  પણ ઈચ્છાપૂર્તિ કરવાની છે તો…
  ખલીલ જીબ્રાન યાદ આવે છે.તેણે કહ્યું છે કે…
  પ્રણય પરિણયમાં
  તમે સાથે ઉભજો,
  પણ એકદમ પાસેપાસે નહીં-
  જેવી રીતે ટેમ્પલનાં થાંભલા છૂટા હોય છે
  અને સાઈપ્રસ કે ઓકનાં વૃક્ષોનો એકબીજાની છાંયમાં ઉગતા નથી!

  .

 2. ભાવના શુક્લ said,

  January 11, 2008 @ 11:46 am

  ત્વચાની સાંગોપાંગ ઉગી નિકળતી રચના…અનેક ગડીઓ અને વળો વાળેલા મન અને માનસ પર તો ધગધગતી ઇસ્ત્રી ફેરવી દેવાઈ જાણે..
  ……………………………………………
  મારી પાસેથી તમે ચાલ્યા ગયા
  ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો
  ……………………………………………….
  જંગલ જેવો ઘેરી વળેલો એકલતાનૉ અંધકાર વધુ ઘેરો થઈ ચાલ્યો….
  પ્રિય એવી તમામ યાદોને પાળી પોષીને વન બનાવ્યુ અને તમારા ગયા પછી બે વધુ યાદો…
  વૃક્ષને જડતાનુ પ્રતિક લઈને ક્દાચ ભાવવિશ્વને વધુ ઘેરુ કરવાનુ કોઈ કલ્પન…..
  તનહાઈયોકા સિલસિલા હરદમ જોડા કિયે હે…
  આપકે આનેસે પહેલે ઔર આપકે જાને કે બાદ…

 3. shriya said,

  January 11, 2008 @ 3:30 pm

  …સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો
  આમ પણ કારણ વધારે ક્યાં હતાં
  જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો…

  સરસ વાત કરી છે….

 4. Pinki said,

  January 13, 2008 @ 3:51 am

  ક્યાં જવું એની ગતાગમ રહી નથી
  હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો

  ‘ક્યાં જવું’ની મૂંઝવણે પગલાંને ગજબની આઝાદી ‘બક્ષી’.

  આમ પણ કારણ વધારે ક્યાં હતાં
  જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો.

  વિવેકભાઈ, છેલ્લા શેર માટે આપના અભિપ્રાયની
  અમે પણ રાહ જોઈશું……

  બાકી,

  ‘બે’ વૃક્ષો ઘણું જ સૂચક લાગે,
  તમે ચાલ્યાં ગયાં અને બે વૃક્ષો વવાઈ ગયાં
  જાણે વૃક્ષની જેમ જડ થઈ આપણે બન્ને
  ‘માત્ર હું જ નહિં તું પણ મજબૂર છે’ અને મૌન બની ગયાં …….!!!

 5. sonal said,

  January 21, 2008 @ 1:19 am

  મને આ ક્ વિતા ખુબ ગમિ. અને તમારો પ્રયત્ન પણ વિવેક ભાઇ.

 6. roomy said,

  January 23, 2008 @ 1:16 am

  યા મને પન આ કવિ તાઓ ખુબજ ગમેચ્હે

 7. roomy said,

  January 23, 2008 @ 1:21 am

  1)……Eat More-Sleep More, Make Body- More N More.

  $$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

  2)જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
  સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

  પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
  સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

  ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
  ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

  દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
  કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

  શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
  એકલવ્યનો અકાળ પડ્યો છે,દ્રોણનુંય ક્યાં શરણ છે ?

  ક્યાં સુધી આ જોયા કરવું,ક્યાં સુધી ચાલશે આમ?
  મા સરસ્વતી! ત્રાહિમામ! ત્રાહિમામ!ત્રાહિમામ!

 8. roomy said,

  January 23, 2008 @ 1:22 am

  કેટલા વરસે મળી ગયા કેમ છો
  સાવ બસ ભુલી ગયા તા કેમ છો
  હુ ફકત હસતો રહ્યો ઉત્તર રુપે,
  એમણે પુછ્યુ તુ હસતા કેમ છો
  શેર છે આ દોસ્ત આ તો શહેર છે,
  કોઇ નહી પુછે કે અહીયા કેમ છો
  અર્થ એના કેટલાયે કાઢશે,
  કોઇ ને પુછ્યુ તુ અમથા કેમ છો
  આંખ મે બારી તરફ માંડી ફકત
  કોઇ એ પુછ્યુ કે ઘર માં કેમ છો

 9. roomy said,

  January 23, 2008 @ 1:26 am

  ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
  આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

  એક રોશની રહે છે સતત મારા પંથમાં,
  મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

  લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
  બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

  નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
  મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

  ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
  ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

  હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
  આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

  આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
  દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

  ‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
  એની જ નીચે મારી કબર હોવી જોઇએ

 10. Lata hirani said,

  May 7, 2017 @ 2:41 pm

  છેલ્લો શેર..
  બે અર્ધજીવીત માનવીઓ..
  જડ ની જેમ જીવતા બે સજીવો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment