કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રામચન્દ્ર પટેલ

રામચન્દ્ર પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

દુકાળ - રામચન્દ્ર પટેલદુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.

Comments (3)