છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારના ઈંડાં મૂકે છે.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ન્હાનાલાલ દ. કવિ

ન્હાનાલાલ દ. કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૫ : પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– ન્હાનાલાલ

આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –

ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –

ત્યારે આ કાવ્યનું આ ચરણ હંમેશા હૈયે ગુંજ્યું છે –

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

Comments (1)

હરિનાં દર્શન – ન્હાનાલાલ

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.

– ન્હાનાલાલ

સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…

(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)

Comments (7)

ભારતમહિમા – ન્હાનાલાલ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)

(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)

Comments (5)

ઝીણા ઝીણા મેહ – ન્હાનાલાલ

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

-ન્હાનાલાલ

મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…

(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)

Comments (4)

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

Comments (13)