ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હનિફ રાજા

હનિફ રાજા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(ખુદા હાફિઝ) - હનિફ રાજા
ગઝલ - હનિફ રાજા
ગઝલ - હનિફ રાજાગઝલ – હનિફ રાજા

છે અત્ર-તત્ર મિત્ર, પ્રણયનાં જ ચિત્ર જો,
ઋતુ જ જાણે થઈ ગઈ છે પ્રેમપત્ર જો !

વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પ્હેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !

જાજમ છે લીલાં ઘાસની રસ્તે વસંતનાં,
માથે ધરે છે વહાલથી કેસૂડાં છત્ર જો.

નેત્રોય સૂર્ય-ચંદ્રનાં વિસ્મિત છે આભમાં,
પાલવ વસુંધરાનો ચૂમે છે નક્ષત્ર જો.

કેવી રીતે જિતાય છે હૈયાની સલ્તનત,
હુમલો કરે છે કઈ રીતે નયણોનાં શસ્ત્ર જો !

ભજવે છે પવન પાત્ર અહીં મેઘદૂતનું,
પુષ્પો લખી સુગંધની લિપિમાં પત્ર જો.

સર્વત્ર છે વસંતનાં ઉત્સવની ઉજવણી,
ઉલ્લાસનું, ઉમંગનું બેઠું છે સત્ર જો.

મારી ગઝલ વસંતનો પમરાટ છે ‘હનિફ’,
અસ્તિત્વ મારું થઈ ગયું છે ઈત્ર-ઈત્ર જો.

– હનિફ રાજા

મજાની ગઝલ… પવન ખુશબૂના કપડાં પહેરીને મ્હાલતો હોય એ કારણે હવામાં જાણે હજારો ગુલાબ વિખરાયેલાં ન હોય એ ચિત્ર તો અદભુત થયું છે. જો કે “નક્ષત્ર” કાફિયામાં કવિ છંદ ચૂકી ગયા છે એ ન ગમ્યું.

Comments (4)

ગઝલ – હનિફ રાજા

પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.

કેટલી ગુમ થૈ જતી રણમાં જ નદીઓ આમ તો,
કેમ મારાં આંસુઓની વાત દરિયો થૈ ગઈ ?!

જાન દેવી પણ અમારી માત્ર નાદારી ઠરી;
એમની ચપટીભરી ખેરાત દરિયો થૈ ગઈ.

મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.

એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.

વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

એક સહરા-શી હતી મારી ગઝલ તો પણ ‘હનિફ’;
જ્યાં મળી એ કંઠની સોગાત દરિયો થૈ ગઈ.

– હનિફ રાજા

દરિયામાં દરિયો થઈ જઈએ ત્યારે નખશિખ તરબતર થઈ જવાય એવી જ રીતે આ ગઝલ સરાબોળ ભીંજવે છે. રદિયો થૈ ગઈ જેવી રદીફને કવિએ કેટલી બખૂબી નિભાવી છે! નદી અને દરિયાના મિલન વિશે કેટલા બધા કવિઓએ કેટલા બધા આયામથી વિચાર્યું હશે!

Comments (17)

(ખુદા હાફિઝ) – હનિફ રાજા

વાર તારો સરસ, ખુદા હાફિઝ
દડદડી ધોરી નસ, ખુદા હાફિઝ

હા, થવાનું છે આજ અજવાળું;
અલવિદા હે તમસ, ખુદા હાફિઝ

આજ રાહત જરાક લાગે છે,
હોય અંતિમ દિવસ, ખુદા હાફિઝ

શ્હેરમાં આજ લઈ નીકળ્યો છું,
પ્રાણરૂપી જણસ, ખુદા હાફિઝ

ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
આજની રાત બસ ખુદા હાફિઝ

થઈ નજર આજ એની મારા પર,
જા યુગોની તરસ, ખુદા હાફિઝ

આજ બેફામ પી ગયો ‘રાજા’
સોમવલ્લીનો રસ, ખુદા હાફિઝ.

– હનિફ રાજા

ખુદા હાફિઝ એટલે કે ‘અલ્લાહ તમારું રક્ષણ કરે’નો ભાવ આ ગઝલના દરેકે દરેક શેરમાં એવી બખૂબી પ્રગટ થયો છે કે આફરીન પોકાર્યા વિના રહેવાતું નથી…

Comments (13)