બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાજલ ઓઝા-વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




~ – કાજલ ઓઝા – વૈદ્ય

અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?

તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !

ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !

લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !

લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે

શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?

– કાજલ ઓઝા – વૈદ્ય

સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…

Comments (23)

~ – કાજલ ઓઝા – વૈદ્ય

મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

– કાજલ ઓઝા- વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્યને સફળ નવલકથાકાર તરીકે ઓળખતો ન હોય એવો ગુજરાતી સાહિત્યરસિક મળવો દોહ્યલો છે પણ કવિ તરીકે ઓળખતા હોય એવા લોકો પણ જૂજ જ હશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષયાત્રા’ જોઈ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો અને પછી સંગ્રહમાંથી પસાર થતી વખતે સતત એ આંચકાઓનું પુનરાવર્તન થતું રહ્યું. સંગ્રહમાં વર્ણવેલી એમની આપવીતી અને એમની કવિતાઓ- બધું જ નિયત ઘરેડની બહારનું છે. આ પાનાંઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક દઝાતું હોવાનો અનવરુદ્ધ અહેસાસ થયા વિના નહીં રહે. પ્રથમ નજરે અછાંદસ ભાસતી મોટાભાગની કૃતિઓ આઝાદ નઝમની જેમ પોતીકો લય ધરાવે છે જે આજકાલ બહુધા જોવા મળતું નથી… અહીં કોઈ કૃતિને શીર્ષક અપાયું નથી એ પણ જવલ્લે જોવા મળતી બીના છે… સ્ત્રી હોવા છતાં એમણે જાતીયવૃત્તિઓ પર ક્યાંય ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી નથી અને એ જ રીતે પોતાની જાતને ઓગાળવાની પણ કોશિશ કરી નથી. અહીં તમામ કૃતિમાં સર્જકની સતત હાજરીનો એકધારો અહેસાસ અને નિરાવૃત્ત બેબાક સંવેદનાની તીખ્ખી ધાર કવિતાની અલગ જ જાતની ‘ફ્લેવર’ સર્જે છે !

Comments (28)