જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રતિમા પંડ્યા

પ્રતિમા પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાંકળી-ગઝલ – પ્રતિમા પંડ્યા

મૌન સાથે ગોઠડી જો માંડીએ,
અર્થ શબ્દોના બધા સમજાય છે.

અર્થ શબ્દોના બધા સમજાય છે,
ભાર વાતોનો ઊતરતો જાય છે.

ભાર વાતોનો ઊતરતો જાય છે,
સ્મિત ચહેરે એટલે અંકાય છે.

સ્મિત ચહેરે એટલે અંકાય છે,
ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે.

ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે,
મૌન સાથે ગોઠડી મંડાય છે.

– પ્રતિમા પંડ્યા

કેટલી સરળ બાની પણ કેવી મજાની વાત ! મુંબઈના કવયિત્રી પ્રતિમા પંડ્યા એક સાંકળી-ગઝલ લઈને આવ્યા છે. દરેક શેરની બીજી પંક્તિ (સાની મિસરો) આગામી શેરની પ્રથમ પંક્તિ (ઉલા મિસરો) બની જાય છે અને આ પંક્તિઓના પુનરાવર્તનની સહુથી અગત્યની વાત એ છે કે કવયિત્રી દરેક શેરનું પોતીકું સૌંદર્ય જાળવી રાખીને આખી ગઝલને પણ સફળ બનાવી શક્યા છે…

Comments (9)

ગઝલ – પ્રતિમા પંડ્યા

ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.

લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.

ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.

ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.

પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.

સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.

-પ્રતિમા પંડ્યા

પ્રતિમા પંડ્યા ગઈકાલે આપણે જેમની ગઝલ અહીં માણી હતી એ સંજય પંડ્યાના અર્ધાંગિની છે પણ અહીં આપણે એ ઓળખાણ નહીં આપીએ. પુરુષ કરતાં સ્ત્રી વધુ લાગણીસભર અને ઋજુહૃદય હોય છે એ બાબતમાં કોઈને શંકા હોય તો આ ગઝલ પર નજર કરે. કવિની સંવેદનાનું પોત કેટલું મસૃણ હોય છે એ અહીં સમજી શકાય છે. ઓવારણાં લેવાની ક્રિયા સુખદ વધામણાં લેવાનો પ્રસંગ છે પણ કવિને જે સ્પર્શે છે એ ટાચકાંને થતું દુઃખ છે. આંગળીથી પણ આગળ વધીને કવયિત્રી ઠેઠ ટાચકાંની અનુભૂતિના મર્મમાં પહોંચે છે. અને શિલ્પ જન્માવતા પથ્થરોની પીડા વિશે તો આપણે ઘણું બધું કહી દઈએ છીએ પણ કવયિત્રીને જે વાત અભિપ્રેત છે એ છે હથોડીની પીડા. કેવી મુલાયમ વાત !

“નો’તી ખબર”નો રદીફ લઈ  આગળ વધતી આ ગઝલની સર્થક્તા તો એ વાતમાં છે કે દરેક શે’ર વાંચતી વખતે જ્યારે જ્યારે કવિ કહે છે કે ખબર નહોતી ત્યારે-ત્યારે આપણને અહેસાસ થયા વિના રહેતો નથી કે કવિને તો આ વાત ખબર જ છે.

Comments (12)