આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

દિલીપ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હનીફ સાહિલ

હનીફ સાહિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(રાખે છે) - હનીફ સાહિલ
કબૂલ મને - હનીફ સાહિલ
કોણ છે ? - હનીફ સાહિલ
ગઝલ - હનીફ સાહિલ
ગઝલ - હનીફ સાહિલ
મોકલું - હનીફ સાહિલ(રાખે છે) – હનીફ સાહિલ

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે
સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે

ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં
સતત અભાવના વાતાવરણમાં રાખે છે

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં
કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે

એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીને
ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે

કદી એ આપે તરસ માંહે તડપવાની સજા
કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે

ન ખુલ્લી આંખમાં રાખે, ન બંધ આંખોમાં
છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે

હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં
કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે

– હનીફ સાહિલ

પરમ કૃપાળુની પરમ કૃપાની અભિવ્યક્તિની ગઝલ….

Comments (5)

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

ભલે પિંજરામાં કેદ કેમ ન હોઈએ, પણ દૃષ્ટિ ઉડાનથી, આસમાનથી આગળ હોય ત્યાં સુધી જ કંઈક થવાની સંભાવના જીવતી રહે છે…

Comments (6)

ગઝલ – હનીફ સાહિલ

એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.

એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.

તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.

સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.

વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.

સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.

કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.

– હનીફ સાહિલ

જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…

Comments (6)

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.

Comments (13)

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ. આ ગઝલ વાંચતા જ ભગવતીકુમારનો ઉત્તમ શેર તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ / અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું (યાદદાસ્તને આધારે ટાંકેલો આ શેર, યાદ હોય તો સુધારશો.) તરત જ યાદ આવે. વિવેકે આગળ રજૂ કરેલી કબૂલ મને ગઝલ પણ સાથે જોશો.

Comments (9)

કબૂલ મને – હનીફ સાહિલ

કોઈ પણ  હો  ડગર કબૂલ મને,
એની  સાથે  સફર   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર  કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર  કબૂલ મને.

-હનીફ સાહિલ

નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની  વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે?  પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?

Comments (29)