લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
દેવાંગ નાયક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દ.ભા. ધામણસ્કર

દ.ભા. ધામણસ્કર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

વિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) - દ.ભા. ધામણસ્કરવિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) – દ.ભા. ધામણસ્કર

વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”

મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…

હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.

– દ.ભા. ધામણસ્કર

પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.

Comments (3)