ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(રવાડે ચડી ગયા) – અશરફ ડબાવાલા

મનગમતા એક થડાના રવાડે ચડી ગયા,
ને એ પછી નફાના રવાડે ચડી ગયા.

પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ,
બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા.

જે બોલતા’તા ટૂંકું અને ટચ એ છેવટે,
તેમ જ અને તથાના રવાડે ચડી ગયા.

કાં તું ને કાં ગઝલ કે પછી બંને સાથે હો,
ત્રણ જાતના નશાના રવાડે ચડી ગયા.

અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.

– અશરફ ડબાવાલા

થડો એટલે દુકાનદાર જ્યાં બેસીને ધંધો કરે એ સ્થાન. વેપારી હોય એ ધંધો કરે એ તો સાહજિક છે, પણ અહીં કવિએ થડાને ‘મનગમતા’ વિશેષણ આપીને અદકેરું સ્થાન બક્ષ્યું છે. મનગમતો વ્યવસાય કરવા મળે એ બધાના ભાગ્યમાં નથી હોતું. પણ માનવપ્રકૃતિ એવી છે કે મનગમતી વસ્તુ કરવા મળે તો એમાંથીય નિર્ભેળ આનંદ અને સંતોષ મેળવવાના બદલે એ નફાખોરી શોધવા માંડે છે. કવિએ જે થડાની વાત કરી છે, એ થડો જીવનના કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે. સાહિત્ય માટેના પ્રેમથી પ્રેરાઈને કલમના ખોળે માથું મૂકતા સાહિત્યકારો પછી મંચ અને દાદ ઉઘરાવવાના રવાડે ચડી જાય છે ત્યારે સાચું સાહિત્ય તો કોરાણે મૂકાઈ જતું હોય છે.

Comments (10)

(ફસલ આવશે) – અશરફ ડબાવાલા

સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.

નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.

સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.

કદી સાચનો કિલ્લો તોડી જવા,
ધરમની ધજાની નકલ આવશે.

સજાને ક્ષમાની વચોવચ હશું,
ને ઇન્સાફ તારી અદલ આવશે.

આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.

– અશરફ ડબાવાલા

ઇડનના બાગમાં આદમ અને ઇવ સુખેથી રહેતા હતા. શેતાનને ભગવાને સ્વર્ગ બહાર કાઢી મૂક્યો એટલે એને ભગવાન સામે બદલો લેવો હતો. એણે ઇવને સાધન બનાવી અને લલચાવી. બાગના ફળ ખાવાની મનાઈ હોવા છતાં શેતાનના પ્રભાવમાં આવી ગયેલી ઇવના કહેવાથી આદમે સફરજન ખાધું અને ઈશ્વરના રોષનું બંને કારણ બન્યા. બંનેએ પૃથ્વી પર આવવું પડ્યું. સીધી વાત કરે તો એ કવિતા નહીં, માત્ર કથન બની રહે. અહીં મીઠી એ કટાક્ષ છે. સફરજનની મીઠી ફસલ અર્થાત્ લાલચ, છેતરામણીના સંજોગો.. માણસ ફરી છેતરાશે અને ફરી આદમની જેમ એનું પતન થશે.. ટૂંકમાં આ શેર નકારાત્મક વાત કરીને એ હકીકત બયાન કરે છે કે માનવજાત જ્યાં સુધી લલચાવાનું બંધ નહીં કરે, પતનનો સિલસિલો ચાલુ જ રહેશે.

Comments (1)

ગઝલ – અશરફ ડબાવાલા

દૃશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.

એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.

તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.

નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.

જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.

તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.

– અશરફ ડબાવાલા

ગઝલની રદીફ આખા શેરને દેખીતા અર્થની આગળ એક નવો જ અર્થ આપે છે… પહેલી નજરે વાંચતા જે સમજાય છે તેનાથી આગળ છે કશું…

Comments (6)

ગીત – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…

Comments (5)

સાન્નિધ્ય-સમજ – અશરફ ડબાવાલા

મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.

– અશરફ ડબાવાલા

કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે. 

Comments (4)

ગઝલ – અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો જ મળી જાય, એમ પણ બને…

Comments (5)

Schizophrenia – અશરફ ડબાવાલા

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કે મને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાઉને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

માણસ વાસ્તવિકતા (reality) અને કલ્પના (imagination) વચ્ચે ભેળસેળ કરવા માંડે એને ડોકટરો સ્કિઝોફ્રેનિઆ કહે છે. પણ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા આપણે માનીએ છીએ એટલી સુસ્પષ્ટ નથી. એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! 🙂

વાસ્તવિકતા એક સાપેક્ષ ચીજ છે, અને માણસ બહુ નબળુ પ્રાણી છે. હા, ભલે આપણે વાસ્તવિકતામાં જીવતા હોઈએ, પણ આપણે એની કિંમતરૂપ ‘ડાહપણની ઘંટીનું પડ’ ઊંચકીંને ફરવું પડે છે.

Comments (18)

ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું  કવિ કહે  છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું  એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.

આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે.  માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.

Comments (12)

ગઝલ – અશરફ ડબાવાલા

અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.

બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.

હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.

ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.

છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.

– અશરફ ડબાવાલા

આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…

…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…

Comments (13)

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે.

Comments (15)

હોઠ વચ્ચે… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

– અશરફ ડબાવાલા

ઈતિહાસ બોલતો નથી, વાંચવો પડે છે. જે રીતે બે લીટીની વચ્ચેનું લખાણ ચૂકી જવાય તો ક્યારેક આખો અવસર હાથથી નીકળી જાય એમ સદીઓના મૌન બે હોઠોની વચ્ચે વણબોલાયેલો શબ્દ સાંભળવો રહી જાય તો શું ચૂકી જવાય એનો કવિને અણસાર છે જ એટલે એ આખા સૈકાનું મૌન સાંભળવા માત્ર એકાદ ઘડી માંગે છે… કાળનો તીવ્ર વિરોધાભાસ આ શેરને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે. વાત સો વરસની છે અને માંગણી એક પળની છે !!

બાકીના શેરમાં જાતે વિહરીશું ?

Comments (17)

વાંક શું ગણવા ? -અશરફ ડબાવાલા

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

દુનિયાની સામે આંગળી ચીંધવાને બદલે પોતાની અંદર જોવાનું શીખવવા મથતી ગઝલ.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (14)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

ગઝલ – અશરફ ડબાવાલા

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

સાવ અધવચ્ચેય આવે છે પરાકાષ્ઠા કદી,
પહોંચવા ના પહોંચવાના ભાવ પણ સાપેક્ષ છે.

પોતપોતાનું બધાંને પ્રાણપ્યારું છે રટણ,
જે કરે છે તું સતત તે જાપ પણ સાપેક્ષ છે.

હું કદી મારો, કદી તારો, કદી છું સર્વનો,
મારા મનમાં છે તે મારું સ્થાન પણ સાપેક્ષ છે.

મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

‘સાપેક્ષ છે’ જેવી મજાની રદીફને કવિએ આ ગઝલમાં ખૂબ સુંદર રીતે નિભાવી જાણી છે. સાવ સીધી ભાષામાં લખાયેલા બધા જ શેર વારંવાર ગણગણવાનું મન થાય એવા મજાના થયા છે. મંઝિલ અને મઝલની વાત કરતો બીજો શેર તથા મોકળાશ અને સંકડાશની સાપેક્ષતા આપણા પોતાના મનની જ નીપજ હોવાનું ઈંગિત કરતો આખરી શેર જો કે મને ખૂબ ગમી ગયા.

Comments (5)

ગઝલ – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

-અશરફ ડબાવાલા

સરહદપારના કવિઓમાંથી ઊઠતા એક અગ્રિમ અવાજનું બીજું નામ એટલે અશરફ ડબાવાલા. મૂળે ગુજરાતના અમરેલીમાં જન્મેલા, વ્યવસાયે તબીબ અને શિકાગો-અમેરિકામાં સ્થાયી. “શિકાગો આર્ટ્સ સર્કલ”ના સ્થાપક. ગીત, ગઝલ અને અછાંદસ પર એમની ખાસ હથોટી છે. એમની કાવ્યશક્તિનું હાલમાં જ યોગ્ય મૂલ્યાંકન “કલાપી પુરસ્કાર” વડે સન્માનિત કરીને કરવામાં આવ્યું છે. લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન…

(જન્મ તારીખ: ૧૩-૦૭-૧૯૪૮, કાવ્યસંગ્રહો: “અલગ”, “ધબકારાનો વારસ”)

Comments (20)