તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરિશ્ચન્દ્ર જોશી

હરિશ્ચન્દ્ર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તારી ગલી સુધી – હરિશ્ચંદ્ર જોશી

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં
રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં

આ રેતના નગરમાં વિહ્વળ તમામ આંખ
મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું- પૂરું થતું
ડાઘુ તો એનાં એ જ છે મરણો નવાં નવાં

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નવી હવા
વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગળ યુગો પછીય
મંત્રો તો એનાં એ જ છે શ્રમણો નવાં નવાં

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી
નક્શા તો એનાં એ જ છે ભ્રમણો નવાં નવાં

– હરિશ્ચંદ્ર જોશી

સહજ, સુંદર…

Comments (6)

ગઝલ – હરિશ્ચંદ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

– હરિશ્ચંદ્ર જોશી

Comments (9)

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.

Comments (21)

રણમાં મલ્હાર… – હરિશ્ચન્દ્ર જોશી

કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?

કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?

ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.

આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.

લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.

બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.

– હરિશ્ચંદ્ર જોશી

હરિશ્ચંદ્ર જોશી (31-08-1948) બોટાદમાં પ્રાધ્યાપક છે અને સારા ગાયક પણ. ગીત પણ સારા લખે અને ગઝલના પિંડને પણ સ-રસ રીતે બાંધી જાણે.રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા આ કવિ સાંજને સૂરજને ડોલીમાં લઈ જતા કહાર તરીકેના નવોન્મેષી કલ્પનથી સ્પર્શે છે. અને લયના લશ્કરના લોહીમાંથી પસાર થવાની વાત કદાચ આ આખી ગઝલનો શિરમોર શેર બની રહે છે.

Comments (8)