હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આભ સાથે વાર્તા જોડી – ભાગ્યેશ જહા

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

– ભાગ્યેશ જહા

પરંપરાગત વિષય છે પરંતુ માવજત સુંદર છે….

Comments (6)

તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઈ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઈ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ
તમે નદીઓના ડૂબેલા ગાન
અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

– ભાગ્યેશ જહા

એક રળિયામણું ગીત……

Comments (2)

તો કેવું ? – ભાગ્યેશ જહા

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, –

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,

ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?

– ભાગ્યેશ જહા

 

Comments (8)

બીક – ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.

ભાગ્યેશ જહા

Comments (2)

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઊંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઈ નોંધ?
કોણ વીણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારો કે ફૂલ કોઈ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તોય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

Comments (10)