જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(જુદો વરસાદ) - હર્ષદ ચંદારાણા
અડધું-અધૂરું - હર્ષદ ચંદારાણા
આવ્યા છે - હર્ષદ ચંદારાણા
ઉદાસી - હર્ષદ ચંદારાણા
એ કોણ છે ? - હર્ષદ ચંદારાણા
એકાંત -હર્ષદ ચંદારાણા
કાગળમાં - હર્ષદ ચંદારાણા
ચ્હેરાઓ - હર્ષદ ચંદારાણા
તારી શેરી - હર્ષદ ચંદારાણા
પડદામાં - હર્ષદ ચંદારાણા
પત્ર-ગઝલ - હર્ષદ ચંદારાણા
વર્ષા - હર્ષદ ચંદારાણાઆવ્યા છે – હર્ષદ ચંદારાણા

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,
નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.

પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.

મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

– હર્ષદ ચંદારાણા

વાત તો એ જ છે. વરસાદની. વર્ષાઋતુની. પણ જે કમાલ છે એ અંદાજે-બયાંનો. ઘનઘોર વાદલ ગરજતો મેઘ લઈને આવે એ એક-એક વાદળમાં કવિને ક્યારેક કવિવર ટાગોર દેખાય છે તો ક્યારેક વહાલનો કાગળ લખતી કલમ નજરે ચડે છે.

ચાટુક્તિભરી સપાટબયાની અને સભારંજની એકવિધતાના ખાબોચિયામાં ડૂબવા પડેલી ગઝલ વિશે ચિંતિત થવાની ક્ષણે આવી કોઈ રચના હાથ લાગે ત્યારે સહજ હાશકારો અનુભવાય.

Comments (11)

ચ્હેરાઓ – હર્ષદ ચંદારાણા

કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો
ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો

એટલે ચૂંટ્યો હતો, ખોસ્યો હતો મારે ખમીસ
પુષ્પ ઉર્ફે વિશ્વનો ચહેરો જ ગમતીલો હતો

ખૂબ વરસેલો હતો વરસાદ ચુંબનનો અહીં
તો લચ્યા ખેતર સમો ચ્હેરો પછી લીલો હતો

દાઝવાના ડરથી એને ના કદી સ્પર્શી શક્યો
એક ચ્હેરો જે હિમાલય જેમ બર્ફીલો હતો

ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો

– હર્ષદ ચંદારાણા

ચહેરા વિશે પાંચ મધુરા કલ્પન… આપને કયો ચહેરો વધુ ગમ્યો, કહો તો…

Comments (5)

કાગળમાં – હર્ષદ ચંદારાણા

છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં

સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં

હું ઉપાડું કલમ, પછી મારા
ભાવ તેમજ અભાવ કાગળમાં

મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં

આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં

તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં

– હર્ષદ ચંદારાણા

કવિતા-ગઝલ વિશેની કવિતાઓનો તો આપણે ત્યાં અતિરેક થયો છે પણ કવિતા-શબ્દના ઉપાદાન કાગળ વિશેની આવી સાદ્યંત સુંદર રચના જવલ્લે જ જોવા મળે છે.

Comments (3)

એ કોણ છે ? – હર્ષદ ચંદારાણા

કોઈ મારામાં નિરંતર ટળવળે, એ કોણ છે ?
કૈં વરસથી મુક્ત થવા ખળભળે, એ કોણ છે ?

આમ તો દેખાય જાણે મારું એ પ્રતિબિંબ છે,
રોકનારું બારણાની ભોગળે એ કોણ છે ?

ત્રાટક્યું છે ઘોર અંધારું પુરાણા ઘર ઉપર,
દીપ પ્રગટાવી સ્મરણના, ઝળહળે એ કોણ છે ?

સ્હેજ સળગી જોયું, પ્રગટ્યાં ગીત રોમરોમમાં,
હર સ્વરે જે મીણ માફક ઓગળે એ કોણ છે ?

ડૂબકી તો ખૂબ ઊંડે મારી આવ્યો, ત્યાં નથી;
આ સપાટી પર સરે ને સળવળે એ કોણ છે ?

આંખના પાષણ તોડી નીકળે ને ભીંજવે,
આ ઝરણ રૂપે સદાય ખળભળે એ કોણ છે ?

– હર્ષદ ચંદારાણા

Comments (5)

પડદામાં – હર્ષદ ચંદારાણા

રાખવાથી ગુલાબ પડદામાં
ખુશબૂ રહેશે જનાબ ! પડદામાં ?

છે ખુશીની બધી ક્ષણો જાહેર
આંસુનો છે હિસાબ પડદામાં

એક પડદાને ખોલવા માટે
પેસવું બેહિસાબ પડદામાં ?

રાત પડવાનું એ જ છે કારણ ?
શું હતો આફતાબ પડદામાં ?

સર્વ શબ્દો નકાબ છાંડે છે
વાંચે છે તું કિતાબ પડદામાં

– હર્ષદ ચંદારાણા

સાદ્યંત સુંદર રચના….

Comments (4)

ઉદાસી – હર્ષદ ચંદારાણા

ઉપાડી સહજ એક ક્ષણની ઉદાસી
ખબર નહિ, હશે એક મણની ઉદાસી

નગરમાં બની એક જણની ઉદાસી
ફરે છે છડેચોક રણની ઉદાસી

ઉમેરે છે પીળાશ ચ્હેરામાં મારા
જરા ચીતરું જ્યાં પરણની ઉદાસી

છે જળનાં બધાં રૂપ : આનંદ, આનંદ
ફકત છે આ મૃગજળ હરણની ઉદાસી

છું તરસ્યો છતાં, જળ સુધી પ્હોંચવામાં
મને બહુ નડી છે ચરણની ઉદાસી

– હર્ષદ ચંદારાણા

ગઝલ આમ ઉદાસીની છે પણ વાંચતાવેંત પ્રફુલ્લિત પ્રફુલ્લિત કરી મૂકે એવી. એરિસ્ટોટલનો Katharsisનો સિદ્ધાંત યાદ આવી જાય. (ભીતરની લાગણીઓના ઉદ્રેકનું કળાના માધ્યમથી થતું શમન)

ફક્ત એક ક્ષણની ઉદાસી કવિ ઉપાડે છે. પણ ઉપાડે છે ને ખબર પડે છે કે આ તો એક મણની ઉદાસી છે. નગરમાં એક જણની ઉદાસી બનીને છડેચોક ફરતી રણની ઉદાસીવાળો શેર પણ એતલો જ મનનીય થયો છે.

Comments (4)

(જુદો વરસાદ) – હર્ષદ ચંદારાણા

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે
અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે

ચોખ્ખાં કરતો ઘસી-ઘસી  પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે

સરોવરને ક્યાં ખોટ ? પણ દાતાઓના દાતા
છલકતા છલકાવે તે વરસાદ જુદો છે

ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે

પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે !

– હર્ષદ ચંદારાણા

છત્રીની અંદર વરસતો વરસાદ તો જુદો જ હોય ને !  🙂

Comments (10)

પત્ર-ગઝલ – હર્ષદ ચંદારાણા

પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું

અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું

એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !

પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું

– હર્ષદ ચંદારાણા

કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?

Comments (7)

અડધું-અધૂરું – હર્ષદ ચંદારાણા

ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું

શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું

‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

– હર્ષદ ચંદારાણા

કવિએ ખૂબ જ વેધક વાત કરી છે-  આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી.   પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો.  ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !

Comments (26)

વર્ષા – હર્ષદ ચંદારાણા

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

– હર્ષદ ચંદારાણા

વર્ષા-ગીત તો આપણે બહુ જોયા છે, આજે એક વર્ષા-ગઝલ માણો ! મેઘપુત્રી ધરતીને લગ્નપ્રસંગે આણાંમાં વર્ષા આપવાની કલ્પના જ કેટલી સરસ છે, ને વળી એ શેરમાં મેઘને માટે ‘ઘનશ્યામદાસ’ શબ્દ વાપરીને કવિએ મઝા કરાવી દીધી છે. ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.

Comments (9)

Page 1 of 212