કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હસમુખ પાઠક

હસમુખ પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

30 જાન્યુ. 2000 -હસમુખ પાઠક
ઠાકોરજી - મા - હસમુખ પાઠક
દીવાલ - હસમુખ પાઠક
રાજઘાટ પર - હસમુખ પાઠકઠાકોરજી – મા – હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

– હસમુખ પાઠક

હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.

Comments (3)

દીવાલ – હસમુખ પાઠક

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

– હસમુખ પાઠક

વિરહની વ્યથાની અહીં વાત નથી, માત્ર વિરહની હકીકતની વાત છે. વિરહની સામે એક જ સત્યાગ્રહ ચાલી શકે અને એ છે વહાલનો સત્યાગ્રહ. આ વાત અહીં બહુ સરસ રીતે કરી છે. 

Comments (3)

30 જાન્યુ. 2000 -હસમુખ પાઠક

વીસમા   શતકે   કાંધે   લીધી   સૌ
                માંધાતાની   લાશ,
પણ   હ્રદયે  કેવળ ધર્યો નર્યો એક
                માણસ મોહનદાસ.

Comments

રાજઘાટ પર – હસમુખ પાઠક

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી –

– હસમુખ પાઠક

Comments