પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

ફરી જોજો ! -કપિલરાય ઠક્કર ‘મજનૂ’

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.

કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.

-કપિલરાય ઠક્કર ‘મજનૂ’

‘બીજું પ્યાલું ધરી જોજો’ની આ ખુમારી ક્યાં મળે છે આ જમાનામાં? વીતેલા યુગના કવિશ્રી કપિલરાય ઠક્કર પરંપરાના ગઝલકાર હતા. એમની ગઝલો ઈશ્કે-મિજાજી (પ્રણયરંગ) અને ઈશ્કે-હકીકી (ભક્તિરંગ)થી છલકાતી જોવા મળે છે. જે જમાનામાં ગઝલને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી એ જમાનામાં મજનૂ જેવા શાયરોએ આજે આપણી ભાષાનો પર્યાય બની ગયેલી કાવ્યરચનાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. (જન્મ: ૦૩/૦૪/૧૮૯૨, મૃત્યુ: ૧૯/૦૨/૧૯૫૯; મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘સ્વપ્નમંદિર’)

2 Comments »

  1. JayShree said,

    August 3, 2007 @ 2:31 PM

    વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
    અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.

    આ શેરમાં તો વિચારોનું જબરું transformation અનુભવ્યું…!! પહેલા તો લાગ્યું કે એકદમ serious પ્રકારનો શેર છે… પણ આખો શેર વાંચ્યો, તો મજા આવી ગઇ..

    કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
    કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.

    આ પણ ખૂબ જ ગમી ગયો…!!

  2. ધવલ said,

    August 3, 2007 @ 2:59 PM

    ગુજરાતી ગઝલ કેટલી લાંબી મંઝિલ કાપીને આવી છે તે આ પરથી સમજાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment