નહીં આવે – જલન માતરી
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.
– ‘જલન’ માતરી
મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન – ખુમારી અને ખુદ્દારીથી ભરેલી ગઝલોના સર્જક, મુશાયરોમાં હુકમના પત્તા જેવા. આ ગઝલ શ્રી. મનહર ઉધાસે તેમના મધુર સૂરમાં ગાયેલી છે.
Pinki said,
June 17, 2007 @ 12:29 PM
આ ઈશ્વર વિરુદ્ધ બળવો નથી ,
આ ‘જલન’ સાહેબની ઇન્સાનીયત છે.
આથી જ કોઇએ કહ્યું છે,
” ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”
સદીઓથી માણસ એની દોરી ના ઇશારે ,
કથપૂતળીની જેમ નાચી રહ્યો છે. હવે ઇશ્વર
થાક્યો લાગે છે તો જલનજીની કલમ દ્વારા
આક્રોશ કાઢી રહ્યો છે.કારણ મરજી તો એની જ ને………
આપણે તો દલા તરવાડીની વાડીનાં રીંગણાં !!!
Avnish said,
June 17, 2007 @ 2:54 PM
ખુબ જ સુન્દર ,
hydrocodone said,
December 22, 2007 @ 11:39 PM
hydrocodone…
news…
dinesh said,
April 13, 2016 @ 8:02 AM
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.
હરસુખ રાયવડેરા said,
February 19, 2019 @ 2:30 PM
જલન માતરી મારા પ્રિય ગઝલકાર. એમની ગઝલ વારંવાર વાંચવાની , વાગોળવાની ની જ ઈચ્છા થાય. એમના એક એક શેર વાંચતા જ મન હૃદય ચીસ પાડી ઉઠે !
મારી પોતાની લખવાની શૈલી માં પણ માતરી સાહેબ ની અસર
રહેલી છે ! વાંચો અને અભિપ્રાય આપો.જલન સાહેબની લખાવટનો થોડો ઘણો અંશ જો મારા આ મુક્તાકોમાં હશે તો મને આનંદ થશે….
દુઃખો સહન કરીને સંત કે મહાત્મા
બનવાની હવે કોઈ ઈચ્છા નથી !
માણસ છું,માણસ બનીને જીવવા
દિયો ઈશ્વર બનવાની હવે કોઈ
ઈચ્છા નથી !!
હરસુખ રાયવડેરા
20/2/2019