શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

મૂઢમતે -સુધીર પટેલ

ફિકર છોડી તું થઈ જા ફકીર, મૂઢમતે !
કોણ અહીં બદલી શક્યું લકીર, મૂઢમતે ?

છેક સુધી જાળવજે તું ખમીર, મૂઢમતે !
એ જ પછી આવીને પૂરશે ચીર, મૂઢમતે !

ઉછળતાં મોજાંઓ શમી જશે કાંઠા પર,
દરિયો જોયો ક્યારે પણ અધીર, મૂઢમતે ?

જારી કર હુકમનામું તું તારી જ ઉપર,
રાજા પણ તું ને તું જ છો વજીર, મૂઢમતે !

ભીતર તું ખુદને ખૂબ સજાવી લે ‘સુધીર’,
પ્હેરણ જેમ પડ્યું રહેશે શરીર, મૂઢમતે !

– સુધીર પટેલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

સાદ્યત સુંદર સુફિયાણી ગઝલ… અહીં મને રાજેશભાઈ વ્યાસનો અમર થવા સર્જાયેલો એક શેર યાદ આવે છેઃ તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

3 Comments »

  1. praheladprajapatidbhai said,

    December 23, 2011 @ 3:31 AM

    જારી કર હુકમનામું તું તારી જ ઉપર,
    રાજા પણ તું ને તું જ છો વજીર, મૂઢમતે !
    સરસ્

  2. Rina said,

    December 23, 2011 @ 7:44 AM

    Waahh

  3. Sudhir Patel said,

    December 23, 2011 @ 12:15 PM

    આ ગઝલ ફરી અહીં પ્રગટ કરવા બદલ ‘લયસ્તરો’ અને ‘ઊર્મિ’નો હાર્દિક આભાર!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment