મંઝિલને ઢૂંઢવા – રવિ ઉપાધ્યાય
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.
દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,
અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.
બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.
પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે
– રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’
ડો. જગદીપ ઉપાધ્યાય said,
May 31, 2007 @ 4:36 PM
આ દુનિયામાં એવાં ઘણા માણસો હોય છે કે જેમની પાસે જીવન જીવવાં માટે કોઇ ચોક્ક્સ દિશા હોતી નથી. દિશા વિનાનાં, દિશાશૂન્ય આવા માણસો એટ્લે કે જાણે ઝાડ પરથી ખરી પડેલાં પાંદ્ડાઓ…….. કે જેમની ગતિ કે પ્રગતિ કે ઉન્નતિનો આધાર, માત્ર સંજોગ રૂપી પવન પર રહે છે. આ પવન જે દિશામાં એમને ઉંચકીને ફંગોળે, ત્યાં સુધી જ જવાનું એમનું નસીબ કે કમનસીબ હોય છે. પરંતુ જે માણસને જીવનનો ધ્યેય, આદર્શ, આશય કે પ્રયોજન ખબર છે એ માણસ પોતાની મંઝિલને ઢૂંઢવા પોતાનું ઘરબાર કે વતન છોડી, કપરામાં કપરી દિશામાં કપરાં સંજોગ રૂપી વંટોળની સામે થઇને પણ; લગની અને લગાવથી, ખંત અને ઉત્સાહથી, ધૈર્ય અને હિમ્મતથી એ તો આગળ વધતો જ હોય છે.પોતાનું ઘરબાર કે વતન છોડી નવી નગરી જવું હરકોઇને વસમું લાગતું હોય છે. સાબરમતીની રેતમાં રમતું આળોટતું શહેર અમદાવાદને છોડી અમેરીકા જઇ વસનાર શાયર જનાબ આદિલ મંસૂરીજીએ આ પીડા એમની અમર ગઝલ ‘ મળે ન મળે ‘માં સુંદર રીતે આલેખી છે.
શેર છે :
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે
પરિચિતોને ધરાઇ જોઇ લેવા દો પછી. આ હસતાં ચહેરાં; આ મીઠી નજર મળે ન મળે
ભરીલો આંખમાં આ રસ્તાઓ, બારીઓ, ભીંતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે
રડી લો આજ સંબંધોને વીંટ્ળાઇ અંહી ; પછી કોઇને કોઇની કબર મળે ન મળે…..
કબર જેવો શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે ‘મૃત્યુ’ જેવો એનો સબંધી શબ્દ યાદ આવે….
મૃત્યુનો મલાજો આપણે પાળીએ છીએ. શોકસંદેશમાં કે શોકસભામાં મરનારનું એકાદું સારું લક્ષણ યાદ હોય તો ઠીક પણ ન હોય તો પણ ગોતીને કે ઉપજાવીને પણ આપણે તો બિરદાવતાં હોઇએ છીએ.બિરદાવવામાં વિવેક હોય ત્યાં સધી તો ઠીક. પણ….. ઘણીવાર અક્ળાવી નાખે કે ગૂંગળાવી મૂકે એવો કરાતો અતિરેક તો ફારસ કે તમાશો જેવો લાગે…..
પણ પ્રશ્ન અંહી એ થાય કે પેલી મરનાર વ્યક્તિને આ ફારસ કે તમાશો જોવાનું સદભાગ્ય શી રીતે સાંપડે ?
લયસ્તરો પર મારા સદગત પિતાશ્રી રવિ ઉપાધ્યાયની બહુ જ જાણીતી અને જગપ્રસિધ્ધ ગઝલ અને પ્રસિધ્ધ કરવા માટે સુરેશભાઇનો ખૂબ ખૂબ આભાર.
1982ની આસપાસ “ગુલમહોર” નામે ગઝલ આલ્બમમાં મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયના સંગીતમાં બંધાઇ અને એમના જ કંઠમાં ગવાયેલ આ ગઝલ પરદેશમાં તો બહુ જ લોકપ્રિય છે.
મારાઁ બંધુ શ્રી પ્રકાશ ઉપાધ્યાયનું ગુજરાતી સુગમ સંગીત જગતમાં સારી નામના છે. એમણે આ ગઝલ એમના ખૂદના કંપોઝીસનમાં “મંઝિલને ઢૂંઢ્વા…” નામે ટૂંક સમયમાં બહાર પડનાર આલ્બમમાં ગાઇ છે.એની ડેમો વીડીયો ક્લીપીંગ માટેની લીંક આપેલ છે.સહુ માણશો.
પિતાશ્રી રવિ ઉપાધ્યાયની અન્ય રચનાઓ દર્શાવતો બ્લોગ
http://www.ravi-upadhyaya.blogspot.com/ તૈયાર થઇ રહ્યો છે.
-ડો . જગદીપ રવિ ઉપાધ્યાય