ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
વિવેક મનહર ટેલર

વર્તુળને ખૂણાઓ હોય – સૌરભ શાહ

સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.
મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.

અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.
પણ જો તું હોત તો
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!

બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.
લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે –
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા.

– સૌરભ શાહ

ઉપરથી સુંવાળા, સુરેખ દેખાતા સંબંધમાં અણીયાળો ખૂણો ઉપસી આવે ત્યારે ખ્યાલ આવે કે દરેક સંબંધ-વર્તુળને ખૂણા હોય જ છે. કવિએ એકપક્ષી સંબંધની વ્યથાને ધાર કાઢીને મૂકી છે.

24 Comments »

  1. manoj said,

    December 20, 2010 @ 10:02 AM

    અફ્લાતૂન્

  2. Kalpana said,

    December 20, 2010 @ 10:36 AM

    સરસ વાત કહી ધવલભાઈ. દરેક સઁબઁધને આવા ખૂણાઓ હોવાનાજ. આ ખૂણાઓનો અહેસાસ થયા પછી સોઈની અણીની જેમ ભોઁકાવાનાજ. સદાબહાર બારમાસી જણાતા આ સઁબઁધો એક દીવસ નાષવઁત સાબીત થવાના જ છે.

    કલ્પના

  3. અનામી said,

    December 20, 2010 @ 11:45 AM

    સુંદર…

  4. pragnaju said,

    December 20, 2010 @ 11:51 AM

    શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
    ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી
    કવિએ એકપક્ષી સંબંધની વ્યથાને ધાર કાઢીને મૂકી છે…સાંપ્રત સમયની મોટી સમસ્યા…
    કોઈ પણ સંબંધમાં તમારે સામેવાળી વ્યક્તિને તે જેવી છે તેવી રીતે જ અપનાવવી જોઈએ. તમે કોઈના સ્વભાવને ક્યારેય બદલી ન શકો, બની શકે કે તે વ્યક્તિ તમારે માટે પોતાની પસંદ નાપસંદ બદલી શકે છે પણ સ્વભાવ નહીં. જો તમે કોઈ વ્યક્તિને તે જેવી છે તેના માટે સ્વીકારી ન શકો તો તમે એની સાથે ન રહી શકો.આને માટે મને કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની આ પ્રાર્થના
    થોડીક પળો માટે હે પ્રભુ, તું મને તારી નિકટ બેસવા દે. મારા હાથ ઉપરના કાર્યોને તો હું પછી ગમે ત્યારે પૂરાં કરીશ. જ્યારે જ્યારે તારાં દર્શનથી હું વંચિત થાઉં છું ત્યારે ત્યારે અજંપો મને ઘેરી વળે છે અને ક્યાંય મને ચેન પડતું નથી; પરિણામે મારું કાર્ય કિનારા વગરના સાગર વચ્ચેની અર્થહીન વેઠ સામાન બની જાય છે. ઉષ્ણ નિશ્વાસ અને પાંદડાઓના ફરફરાટ લઈને ગ્રીષ્મ ઋતુ મારી બારીએ આવી પહોંચી છે. પુષ્પકુંજો વચ્ચે વ્યસ્ત મધમાખીઓ પ્રશસ્તિના ગીતગુંજારવ કરી રહી છે. તારી સન્મુખ મૌનપણે બેસીને તને સમર્પિત થઈ આ છલકાતી નિરાંત વચ્ચે તારાં ગીત ગાઉં એ માટેનો સમય હવે આવી પહોંચ્યો છે.
    નિ:સ્વાર્થ ભાવે પોતાના સ્નેહથી વર્તુળના ખૂણા રુપી દુર્ગુણ, ખરાબી કે મુશ્કેલીઓને દૂર કરવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઇએ.

  5. preetamlakhlani said,

    December 20, 2010 @ 11:55 AM

    મારી એક મન ગમતી કવિતા, લગભગ આજે ૩૦ વરસ બાદ વાચવા મલિ. આ કવિતા, કવિતામા પ્રથમ વાર પ્રગટ થઇ હતી ત્યારે મને કવિ મિત્ર મધુ માણેકે કવિતા રાજકોટ થી અમેરિકા મોકલી હતી………..

  6. dHRUTI MODI said,

    December 20, 2010 @ 3:12 PM

    ખૂબ ખૂબ સુંદર કવિતા.

  7. Bharat Trivedi said,

    December 20, 2010 @ 5:43 PM

    એક સુન્દર કવિતા વાંચ્યાનો આનંદ વ્યક્ત કર્યા વિના તે કેમ રહેવાય! કવિને તો ખરા જ પણ સાથે ધવલભાઈને પણ ધન્યવાદ આવી સુંદર કવિતાનો પરિચય કરાવવા બદલ.

    ભરત ત્રિવેદી

  8. urvashi parekh said,

    December 20, 2010 @ 8:56 PM

    બહુ જ સુન્દર અને સરસ કવિતા.
    ઘણી વખત સરસ અને સુન્દર દેખાતુ ખરેખર તેવુ નથી હોતુ,
    પણ ખબર નથી સમયસર ખબર નથી પડતી,
    અને ખબર પડે છે ત્યારે વર્તુળ ના ખુણાઓ વાગ્યા કરે છે.
    અભીનન્દન સૌરભભાઈ અને ધવલ ભાઈ.

  9. PRADIP SHETH . BHAVNAGAR said,

    December 21, 2010 @ 12:05 AM

    સરસ રચના

  10. Pinki said,

    December 21, 2010 @ 2:09 AM

    અદ્.ભૂત !

  11. Pancham Shukla said,

    December 21, 2010 @ 5:23 PM

    સરસ કાવ્ય. ધવલના ટચૂકડા અને ઝાઝી પિષ્ટપેષણ વગરના ‘ટુ લાઈનર્સ’ દર વખતની જેમ કાવ્યઅર્ક સુપેરે કાઢી આપે છે.

  12. હેમંત પુણેકર said,

    December 22, 2010 @ 3:58 AM

    સરસ કાવ્ય!

  13. PUSHPAKANT TALATI said,

    December 22, 2010 @ 5:46 AM

    વાહ વાહ ! !! !!!

    ખરેખર સાચું જ છે કે ;- ” સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી, અને ‘વર્તુળને ખૂણાઓ હોય’ વાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.”

    જો વ્યક્તિ આ પરીઘમાંથી બહાર નીકળી શકે તો તેનો બેડો પાર થયો જ સમજવો.
    સુંદર મજાની પ્રસ્તુતી.

  14. વિવેક said,

    December 22, 2010 @ 7:40 AM

    સુંદર કવિતા… પંચમદાની વાત ગમી ગઈ…

  15. રશ્મિ said,

    December 24, 2010 @ 3:01 AM

    વાંચીને સારું લાગ્યું, એ વાત પર નકારી કાઢવા જેવી નથી કે આપણે સૌને હંમેશા કેન્દ્રમાં રહેવાની તમન્ના હોય છે. કદાચ, એ સ્થિતિ ન મળવાને કારણે પરિઘ ભૂંસાઈને ખૂણા લાગવા લાગે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે જાતે જ વર્તુળ રચીએ છીએ ને આપણી નિરાશાઓ ખૂણાઓ બનાવે છે.

  16. jigar joshi 'prem' said,

    December 26, 2010 @ 7:03 AM

    વાહ ! બહોત અચ્છે…

  17. saurabh shah said,

    December 28, 2010 @ 7:17 AM

    ઓ મારા મિત્રો, આ તમે ક્યાંથી ખોળી કાઢી!
    ૧૯૭૭-૭૮ના અરસામાં લખી, ટીન એજમાં, જ્યારે કવિતા વિશેની કોઈ સમજ નહોતી.. સમજ આવ્યા પછી કવિતા લખવાનું છોડી દીધું કારણ કે સમજ એ આવી ગઈ હતી કે એફિલ ટાવર પર ઊંધો લટકીને લખું તો ય બાપ જન્મારે હું મનોજ, રાજેન્દ્ર, રમેશ, લા.ઠા. કે સિતાંશુ જેવું લખી શકવાનો નહોતો.વચ્ચે, સુરેશ દ્લાલે મોટી એન્થોલોજિ માટે ફોર્મલ પરવાનગી માગી ત્યારે મેં ઇન્ફોર્મલ ધમકી આપી હતી કે મને કવિ કહેશો તો બદનક્શીનો દાવો માંડીશ!!
    ખેર, સુ.જો. જેટલી ય લાયકાત નથી કે એમણે ‘ઉપજાતિ’ને રદ જાહેર કર્યો એમ મારી કવિતાઓને હું રદ જાહેર કરું.
    બાકી, મઝા આવી- જૂના આલ્બમમાં આપણા પોતાના જ, વરસ- બે વરસની ઉંમરના, નાગાપૂગા ફોટા જોવાની મઝા ના આવે!

  18. વિવેક said,

    December 29, 2010 @ 1:00 AM

    સૌરભભાઈ,

    લયસ્તરોના આંગણે આપની ઉપસ્થિતિ અમારા માટે આનંદનો વિષય છે…
    આભાર !!!

  19. saurabh shah said,

    December 29, 2010 @ 2:01 AM

    બાય ધ વે, વિવેક! આ કવિતા ‘બ્રુહત ગુજરાતી કાવ્યસ્રુષ્ટિ’ એન્થોલોજિમાં પુનઃ પ્રકાશિત કરવા સુરેશ્ભાઈએ ફોન કર્યો ત્યારે મેં કહ્યું હતું, ‘તમે ન છાપો તો સાર્ં. હું ક્યાં કવિ છું…’ એમણે બહુ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું,’છાપશો તો વાચકો કહેશે સૌરભ શાહે આવું લખ્યું છે!’ પછી હસીને મેં ઉમેર્યું હતું,’મારી બદનામી થશે અને હું તમારા પર બદનક્ષીનો દાવો માંડીશ!’ અને અમે બેઉ ખડખડાટ હસી પડ્યા હતા!મારી ઉપરની કમેન્ટ વાંચીને કવિઓમાં કોઈ ગેરસમજ ના થાય એટ્લે અને ભવિષ્યમાં કોઈ છાપાવાળો એવું ના છાપી મારે કે ‘સુરેશ દલાલ પર ડીફેમેશનનો કેસ કરવાની ધમકીઃ લયસ્તરોની વેબસાઈટ પર થયેલો ઘટસ્ફોટ’–એટલે આટ્લો ખુલાસો. બાકી હું જે સ્તરની કવિતાઓ લખતો હતો એનું embarrassment મને એટલું છે કે પેલી એન્થોલોજિમાં તેમ જ ‘લયસ્તરો’માં મેં આ કવિતા માત્ર જોઈ છે, વાંચી બિલ્કુલ નથી!

  20. વિવેક said,

    December 29, 2010 @ 7:40 AM

    પ્રિય સૌરભભાઈ,

    આપ નિખાલસ અને પારદર્શી છો એટલે કિનારે રહીને ચાલી શકો છો… આપની વાત ગમી. આભાર…
    ….ક્યારેક તો કોઈ માણસ આખી જિંદગી લખે ને એક સારી કવિતા નથી આપી શક્તો અને ક્યારેક કોઈ એક જ કવિતા લખે પણ મજાની લખે એવું બને…

    નાનો છું છતાં એક સલાહ આપવાનું મન થાય છે… આજે હવે આટલા વર્ષો પછી આ કવિતા વાંચી જ નાંખો… ઘટનાથી અળગા થયા પછી ઘટનામાં પ્રવેશવાનું ક્યારેક ઘટના કરતાંય વધારે રોચક હોય છે…

  21. ધવલ said,

    December 29, 2010 @ 11:25 AM

    આભાર સૌરભભાઈ. કવિતાની પાછળની કથા, કવિતા જેટલી જ – અને ક્યારેક વધારે- interesting હોય છે.

  22. Girish Parikh said,

    December 29, 2010 @ 1:36 PM

    સૌરભભાઈઃ તમારી વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવા મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!)નો હમણાં જ અંગ્રેજીમાં અનુવાદ કર્યો. આવતી કાલે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરીશ. યોગ્ય સુધારા વધારા સૂચવી મંજુર કરશો એવી આશા રાખું છું.
    –ગિરીશ પરીખ

  23. Girish Parikh said,

    December 29, 2010 @ 2:24 PM

    સૌરભભાઈઃ તમારું ઇ-મેઇલ એડ્રેસ મોક્લશો.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  24. Girish Parikh said,

    December 30, 2010 @ 12:04 PM

    આજે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘વર્તુળને વળી ખૂણાઓ હોય ?’ નામનું લખાણ પોસ્ટ કર્યું છે. એમાં સૌરભ શાહના ‘વર્તુળને ખૂણાઓ હોય’ મુક્તકાવ્યનો અનુવાદ પણ મૂક્યો છે. વાંચવા, વંચાવવા, અને પ્રતિભાવો આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment