ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
– શયદા
બાલાશંકર કંથારીયા, મણિલાલ નભુભાઇ દ્વિવેદી અને કલાપીએ શરુ કરેલી, ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સર્જનની પ્રક્રિયા, પરંપરાગત ગઝલની હતી.
‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.
શ્રી. મનહર ઉધાસના કંઠે ગવાયેલ આ ગઝલને સાંભળવી તે પણ એક લ્હાવો છે.
manvant said,
July 19, 2006 @ 5:09 PM
તમારી મ્હેફિલની એ જ રંગત,તમારી મ્હેફિલની એ જ હલચલ:
હજાર બેસે,હજાર ઊઠે,હજાર હજાર જાયે,હજાર આવે !
શયદા અને સુરેશ જાની…. હંમેશ સારી સવાર લાવે !
Himanshu Bhatt said,
December 31, 2006 @ 5:31 PM
Shayada was one of the most talented ghazalkars of our language. He had a rare combination of depth, simplicity of expression and rhythem. Quality rhythems are more and more rare these days in our ghazals.
This particular ghazal is one of my favorites. Thanks for posting.
Himanshu
jagruti valani said,
April 25, 2007 @ 12:27 AM
સરસ રચના…. આભાર સુરેશભાઈ
સમય મળ્યે મારો બ્લોગ જરૂરથી જોઈ જશો.
આપના સૂચનો આવકાર્ય.
Pratik Chaudhari said,
August 30, 2008 @ 5:41 AM
શયદાઃ
જીવન નો સાર જો પાણી મ્હીં,
એક પરપોટો થઈ ફુટી ગયો.
Pratik Chaudhari said,
August 30, 2008 @ 5:43 AM
સાત સાગર બંધ પાંપણમાં હતા,
બંધ કૈં કાચો હતો, તૂટી ગયો.
શયદા
RAKSHIT DAVE said,
March 28, 2012 @ 5:21 AM
કદાચ શયદાની જ આં રચના છે…બહુંજ જૂની છે
આખી કવિતા યાદ નથી
પણ શબ્દો કઇંક આવા છે
આ બંધ બાંધ્યા હાથ પર તારા કહે કોણે કસી ?
કેમ તું ગભરાય છે શું દુખ આવી છે પડ્યું ?
કોઈની પણ પાસે આખું કાવ્ય હોય તો મેળવી આપવા વિનંતી.