ગઝલ – સુધીર પટેલ
જરા તું સમય પાર થૈ વાત કર,
– ને હોવાની પણ બ્હાર થૈ વાત કર!
રહ્યો આજ સુધી તું ગફલત મહીં,
હવે તો ખબરદાર થૈ વાત કર.
પછી દ્રશ્યમાં રંગ કૈં જામશે,
મળ્યું એ જ કિરદાર થૈ વાત કર.
અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તુંય સાકાર થૈ વાત કર.
જો એ લાવે ખુમાર કેવો ‘સુધીર’,
ગઝલમાં તું ખુવાર થૈ વાત કર!
– સુધીર પટેલ
ઘણીવાર કવિ ગઝલ પાસે જઈને રચના કરતો હોય છે, પણ ક્યારેક એવું પણ બને છે કે ગઝલ કવિ પાસે આવે છે. અનાયાસ અને આયાસની વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ આવું કોઈ કાવ્ય વાંચીએ ત્યારે સમજી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતા આ તમામ શેર જો ઝીણવટથી જોવામાં આવે તો કવિ શું ચીજ છે એ સમજવું આસાન થઈ પડે છે. સમયની કે પોતાની જાતથી અળગા થઈને જ્યારે વસ્તુને જોઈ શકાય ત્યારે જ સાચું મૂલ્યાંકન થઈ શકે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જે છીએ તે થવા માંગતા નથી અને જે નથી તેનો મોહ રાખીએ છીએ. જે પાત્ર મળ્યું છે એને જો આત્મસાત્ કરી શકાય તો જ જીવનમાં રંગ જામી શકે. અને અંતે ખુવાર થયા વિનાનો ખુમાર પણ નકામો છે એ વાતને સર્જનના સંદર્ભમાં સાવ સરળ અને અદભૂત રીતે વ્યક્ત કરીને કવિએ સર્જનનો ચમત્કાર કર્યો છે!
Jayshree said,
July 10, 2006 @ 1:19 PM
Really Nice one.
અનામી said,
December 1, 2008 @ 4:25 PM
જો એ લાવે ખુમાર કેવો ‘સુધીર’,
ગઝલમાં તું ખુવાર થૈ વાત કર!
અદભુત શેર.