આદિ કવિતા – પ્રજારામ રાવળ
અહીં આ પૃથ્વીના પટ ઉપર કે ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં:
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.
ફરું જયાં જયાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા:
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા ર્.હે દંગ પજવતાં ભાવિ સમણાં.
પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.
– પ્રજારામ રાવળ
રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “દરેક નવું જન્મતું બાળક એ વાતની સાબિતી છે કે ઈશ્વર હજી માનવથી નિરાશ થયો નથી.” પ્રસ્તુત સૉનેટનું કથનકેન્દ્ર પણ નવા જન્મેલાં બાળકો જ છે. સામાન્યરીતે પચાવવા અઘરાં પડે એવાં સૉનેટોની સરખામણીમાં આ કૃતિ થોડી મુખર લાગે, પણ રજૂઆતની નમણાશ અને કવિકસબના કારણે એ ખાસ્સી હૃદ્ય થઈ છે. કમળના ફૂલ જેવાં નવોદિત શિશુઓ કવિને જ્યાં જાય ત્યાં નજરે ચડે છે, જેઓ કારણ વિના તો હસે જ છે, પણ તમને હસતાં ભાળે તો તો બમણું હાસ્ય વેરે છે. બાળકોને ન આજનો ભય હોય છે, ન ભાવિના સ્વપ્નોની પજવણી. જૂનો પીપળો જ નિત નવો થઈ પ્રકટતો હોય એવાં તાજી કૂંપળ સમા આનંદિત બાળકોના રૂડાં સ્મિતવાળા ચહેરા જ કવિ ચહે છે. અનાદિ આકાશમાં જે રીતે રોજ સવારે એનો એ જ સૂર્ય સાવ નવો, તરોતાજો થઈને ઊગે છે, એ જ રીતે પૃથ્વી પર બાળક નામની આદિ કવિતા રોજેરોજ લખાતી રહે છે.
(સુભગ=સુંદ૨, ૨મણીય; દૃગ=આંખ; અશ્વત્થ=પીપળો; ટીશી=ફણગો, અંકુર; મોદિત=આનંદ પામેલ; નવોન્મેષ=નવી શોધ, નવ્યવિચાર; સવિતા=સૂર્ય)


Vrajesh said,
January 28, 2026 @ 7:38 PM
Wah… બાલવિશ્વ
ચેનમ said,
January 29, 2026 @ 10:20 AM
વાહ… જૂનું એટલું સોનું અહીં સાચું પડે છે.. ચોથી લીટીમાં દૃગ હશે કદાચ.
Kishor Ahya said,
February 6, 2026 @ 1:11 PM
આ અસ્તિત્વ સાવ નોધારું છે ,ઈશ્વર જેવું કશું છે નહીં! આવી વાતો ક્યાંય નેં ક્યાય થતીજ હોયં છે.
પણ જ્યારે પૃથ્વી પર એક બાળકનો જન્મ થાય છે ત્યારે ! બાળકનો જન્મ એ ઈશ્વર હોવાની સાબિતી માત્ર નથી પણ એના દરેક શ્વાસમાં ઇશ્વરની મોજુદગી હોવાનો અહેસાસ પણ છે.
વાહ! વાહ! શું સુંદર સોનેટ છે.ને કેવા સરસ વિષય! હસતા રમતા નવોન્મેષ બાળકો! વાહ! કેવા સુંદર સૉનેટના શબ્દો!
“નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.”
આખું સોનેટ વારંવાર વાંચવું ગમે તેવું બન્યું છે. થોડી સોનેટની વાત કરીએં તો, સોનેટ ના પ્રણેતા શ્રી બળવંતરાય ઠાકોર ને માનવામાં આવે છે.કવિ શ્રી ઉસનસ, શ્રી સુંદરમ ,શ્રીં કલાપી, શ્રી સુરેશ જોશી, શ્રી નિરંજન ભગત જેવા કવિઓએ સોનેટની અદભૂત રચનાઓ કરી. જેમાં શ્રી પ્રજારામ રાવળ જેવા અનેક નામી અનામી કવિઓએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે.શરૂ ના સમયમાં સોનેટ પ્રેમ અને ઇશ્વર પર લખાતા.હાલ વ્યાપક વિષયો પર સોનેટ લખાય છે. કવિ શ્રી પ્રજારામ રાવળ (૧૯૧૭-૧૯૯૧) ની ‘આદિ કવિતા’ સોનેટ ખૂબ ગમ્યું.
શ્રી વિવેકભાઈ એ આસ્વાદમાં કાવ્યનો સરસ અર્થ સમજાવ્યો છે, તે બદલ તેમનો ખૂબ આભાર.
🌹🌹🌹🌹
ramesh maru said,
February 23, 2026 @ 10:49 PM
વાહ 👌🏻👌🏻👌🏻