તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
મુસાફિર પાલનપુરી

વ્યથા – ભાનુપ્રસાદ ત્રિવેદી

(હરિણી)

મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.

વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!

સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!

દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!

– ભાનુપ્રસાદ ત્રિવેદી

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?

3 Comments »

  1. Bharat Thakkar said,

    January 17, 2026 @ 9:10 AM

    સુંદર પૃથ્થકરણ કર્યું તમે.
    સુંદર કવિતા!
    Bharat Thakkar

  2. Kishor Ahya said,

    January 17, 2026 @ 5:11 PM

    કવિ શ્રી ભાનુપ્રસાદ ત્રિવેદી(૧૯૩૧-૨૦૨૧) એ હરિણી છંદમાં રચેલ ‘વ્યથા’ વાચતા વૈરાગ્ય એક માત્ર ઉપાય, તેવા ભર્તુહરિ ના વૈરાગ્ય શતકનો ઉપદેશ યાદ આવી જાય છે. કાવ્ય દ્વારા માનવ જિંદગીની કવિએ જે વ્યથા દર્શાવી છે તે યક્ષ પ્રશ્નની જેમ જલદી થી ઉતર શોધી ન શકાય તેવી છે. કાવ્ય તો સરસ છે જ, શ્રી વિવેકભાઈએ આપેલ આસ્વાદ પણ સોનામાં સુગંધ જેવો છે.

    સોનેટની વાત કરીએ તો કેવી કેવી સરસ વાતો!

    “રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા”. લાકડું બળતા ધુવાડા નીકળે છે તેમ જીવનમાંથી પણ પ્રશ્નો નિકળ્યા જ કરે છે.
    “અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
    અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.”

    એકલા જીવવું ગમતું નથી અને સથવારો જીવાતો નથી! ભગવાન બુદ્ધે ‘ધમ્મપદ’માં કહ્યું છે તેમ સાથે રહેવું હોય, ન મળે એ દુઃખ.છે. ન ગમતા સાથે રહેવું પડે એ દુઃખ છે. આમ સાથે પણ રહેવું સહ્ય નથી. ભગવાન બુદ્ધે જે ચાર આર્ય સત્યોની ઘોષણા કરી છે તેમાં પ્રથમ ..જીવન દુઃખ છે. આ જ વાત કવિ શ્રી – ભાનુપ્રસાદ ત્રિવેદી એ જીવનના વ્યથાના સ્વરૂપો દર્શાવી સૉનેટમાં કહી છે.

    “વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
    પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
    ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
    હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!”

    એવું નથી કે મનુષ્યને સમજ નથી કે આ દુનિયાના સંબંધો ,વ્યવહારો બધા મતલબી છે. જાણતો હોવા છતાં માનવી આશા ગુમાવતો નથી ને સંબંધોની વ્યર્થતામાં પોતાની જાતને ભૂલવાની કોશિશ કરતો રહે છે. કવિ એને અહીં દાસત્વ કહે છે. મનુષ્ય બીજા મનુષ્ય સાથે નહી પણ ખુદ પોતાની સાથે જ ઠગાઈ કરે એને કોણ બચાવી શકે? આવીજ એક જિંદગી મનુષ્ય જીવી રહ્યો છે ,જાણતો કશું નથી ને પોતાંને જ્ઞાની સમજી બેઠો છે. અખો કહે છે તેમ અંધે અંધા ઠેલ્યા..

    “સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
    સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
    કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
    અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!”

    સમજી શકે છે તો પણ મનુષ્ય
    પોતાની જાતને જાત જાત ના પ્રપંચો રચી છેતરતો રહે છે અને અચાનક આવી મળેલી આ જિંદગીમાં ફરી ફરી ને એજ અનુભવો કરતો રહે છે ,પછી કહે છે ઝીંદગી ખલ (ઝૂઠ)છે! એ અનુભવમાં થી શીખ લેતો નથી અને વ્યર્થ વ્યથા પ્રાપ્ત કરે છે, પછી ઝીંદગી ને કૃપણ કે કુલટા કહે છે!

    “દલિત ઉરની લંબાવું ના વધુ હવે આ કથા,
    અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!”

    કવિ કહે છે આ લાચાર જિંદગીની વાતો લંબાવીને શું ? હૈયે સભાનતા છે પણ સાથે છે વ્યથા!

    સમગ્ર સોનેટ આધ્યાત્મિક ભૂમિકા વાળું અને ઉપદેશાત્મક છે. યક્ષ પ્રશ્નનો યુધિષ્ઠિર દ્વારા અપાયેલ ઉતર મુજબ મનુષ્ય અનુભવમાંથી કશું શીખતો નથી તે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે!

    ઈશ્વરે સુષ્ટિનું નિર્માણ કર્યું.એ કઈ વ્યથા ભોગવવા માટે ? સ્પષ્ટ છે કે કઈ ને કઈ માનવ સર્જિત ભૂલો થયેલી છે! હા, ઝીંદગી છે થોડા ઘણા પ્રશ્નો તો હોવાના, પણ આ રીતે સમગ્ર મનુષ્ય જાત દુઃખી! દુઃખી! એ સમજી શકવુ મુશ્કેલ છે. કહેવાતા સુખી માણસોમાં ભાગ્યેજ વેઢે ગણી શકાય તેટલા હશે . કારણ કહીએ તો મનુષ્ય નું મૂર્છિત અવસ્થામાં જીવવું ,જેને કારણે ફરી ફરીने એક ना એક અનુભવોની ફરી ફરી માંગ ઉઠે છે. જાગૃત અવસ્થામાં નો અનુભવ બોધ માં પરિમણે છે.

    કવિની જુલાઈ૨૦૦૮ માં ‘આંકડે ય મધુ’ કાવ્ય પણ માણવા જેવું છે.
    એક અંશ..

    “આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
    તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
    એ આકડે ય મધુ હું ભમરો લહંત!”

    આસ્વાદ નો અંશ (કુમાર : જૂન ૧૯૫૨)
    “પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ ” વાહ !

    🌹🌹🌹🌹

  3. વિવેક said,

    January 19, 2026 @ 5:35 PM

    પ્રતિભાવ પાઠવનાર બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

    કિશોરભાઈનું પૃથક્કરણ તો ભઈ વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment