પિતાને નિહાળતાં… – વેન્ડી શૂ (અનુ.: વિવેક મનહર ટેલર)
એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.
– વેન્ડી શૂ (અંગ્રેજી)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)
ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.
Looking at My Father
It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.
– Wendy Xu


Kishor Ahya said,
November 29, 2025 @ 11:42 AM
સારે જહાંસે અચ્છા હિન્દુસ્તા હમારા..પોતાનો દેશ કોને વ્હાલો ન લાગે? આજ પ્રમાણે વિશ્વની કોઇપણ જમીન હોય, ત્યાં રહેતા માણસ ને હમેશા એ જગ્યા વ્હાલી જ લાગવાની, અને તેમાંયે ખાસ, જે જગ્યાએ બાળપણ વિતાવ્યું હોય તે જગ્યા તો ક્યારેય ભૂલી શકાતી નથી! ચીનથી પરદેશ ગયેલી યુવતીને પોતાનો દેશ ,પોતાનું ઘર યાદ આવે છે ને બારી ખોલતા ડુંગળીના પુષ્પોની સુગંધ પ્રસરી જતી તે પણ યાદ આવે છે. તેને ખેતરમાં તડકે કામ કરતા મહેનતી પિતા યાદ આવે છે.
કવયિત્રી કહે છે
“હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે”
બધાની વચ્ચે, દરેક સ્થિતિમાં મારો દેશ ,સમયાંતરે મને રક્ષિત રાખે છે , અને તેના બાહુપાશમાં (સંસ્કૃતિ) હમેશા બાંધી રાખે છે.
“મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા”
મારા જીવંત હોવાના પ્રમાણ માંગશો તો દેખાડી આપીશ.. આ રહ્યા હું, અમે અને મારા પિતા.
કવયિત્રી પોતાના જીવવાના પ્રમાણ ની સાબિતી આપે છે . કઈ સાબિતી? આ રહ્યા મારા પિતા.
જાણે કહી રહી છે મારા પિતા એજ મારું જીવન. વાહ!
“અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે.”
કવયિત્રી અહીં સંવેદનશીલ બને છે કહે છે. અમારી વચ્ચે કોઈ ટકરાવ નથી ,વિરોધ નથી ,એક નાનકડી ભેટ!થોડી વધારાની આવક હોય ત્યારે નિષ્પ્રયોજન કપાયેલા પુષ્પો રસોડાના મેજ પર હોય છે(ઊગી આવે છે) ભેટ રૂપે પુષ્પો સારી વાત છે પણ કવયિત્રી અહીં . ‘નિષ્પ્રયોજન કપાયેલા પુષ્પો’ શબ્દ વાપરે છે! તે કવયિત્રીની પુષ્પો પ્રત્યેની સંવેદના છે.
“હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન”.
કવયિત્રી સ્વયં પ્રશ્નો ઉઠાવે છે.શું હું જીવી રહી છું? પરદેશનું કોઈ સાર વિનાનું ,ન ગમતું જીવન જીવવાનું આવે ત્યારે આવો પ્રશ્ન સ્વભાવિક ઉઠે. કવયિત્રી પોતાને પૂછે છે, આ નવા જીવનમાં, મારા જીવનના દેવતા અને ઉદ્ધારક તરીકે હું સ્વીકારું કરું છું? (પિતાને)
હા હું સ્વીકારું છું મારા ચીની પિતા, માંથે પરિશ્રમનું તેજ ધરાવતા અને કાયમી હોઠો પર સ્મિત રેલાવતા શ્રદ્ધાહીન પણ સતર્ક -હજુ હું કશીક બની શકું
સમયના સંરક્ષણાર્થે.(બાકી રહેલ સમયમાં)
આમીન.
એક પુત્રી માટે તેના પિતા કેટલા મહાન હોય છે તે ‘વેન્ડી શૂ’ એ આ અછાંદસમાં સરસ વર્ણવ્યું છે.
વાહ! कवयित्री વેન્ડી શૂ (અંગ્રેજી)ना સરસ અછાંદસ સાથે
શ્રી વિવેક મનહર ટેલર નો ખૂબ સરસ ગુજરાતી અનુવાદ અને સરસ પસંદગી સાથે સરસ આસ્વાદ. અછાંદસ ખૂબ ગમ્યું.
🌹🌹🌹🌹
Nehal said,
November 29, 2025 @ 1:19 PM
વાહ, ખૂબ સરસ
RB RATHOD said,
November 29, 2025 @ 6:16 PM
વાહ 💐
RB RATHOD said,
November 29, 2025 @ 6:52 PM
ક્યા બાત 👏
jyoti Patel said,
December 1, 2025 @ 8:28 AM
beautiful!
thoughtful representation of heritage , family and the self.
your exceptional translation work is a true gift to our literary understanding
વિવેક said,
December 1, 2025 @ 10:51 AM
પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો દિલથી આભાર…
સવિસ્તર ટિપ્પણી બદલ શ્રી કિશોર આહ્યા તેમજ જ્યોતિ પટેલનો સવિશેષ આભારી છું…