ગઝલ હાર્મની – નયન હ. દેસાઈ
હિંડોળો હેઈ હો! તૈયાર પાનસોપારી
રઝળતી યાદ હેઈ! આવી તો સાવ નોંધારી
ન ડંખે હેઈ હો… કવિતા તો હું બચી જાઉં
ઊભો છું સાંઢણી છંદોની હેઈ… ઝોકારી
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
તને હું યાદ કરૂં કોય પળ એ અલગારી*
નિહાળ્યું (હેઈ હો) લીમડાનું ઝાડ લીલુંછમ
ને હેઈ! પાંદડાઓ નામ ઊઠયાં પોકારી
રડે છે દોઢ–બે વાગ્યે સૂની સડક હેઈ હો…!
દરોગા રાતનો પૂછે છે હેઈ! ખોંખારી.
અવાજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી
– નયન હ. દેસાઈ
કવિતાનું શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ઉઘાડી આપે છે. ‘ગઝલ હાર્મની’ શીર્ષક પરથી ખ્યાલ આવે કે ગઝલના પરંપરાગત અંગોમાં હાર્મની- સંવાદિતા, સૂરસામંજસ્ય, સ્વરૈક્ય ઉમેરવાની વાત ગઝલના કેન્દ્રમાં હોવી ઘટે. ગઝલની શરૂઆત હિંડોળાથી થાય છે અને ગઝલમાં હિંડોળાને ધક્કો દેતી વેળાના ‘હેઈ હો! હેઈ’ ‘હેઈ હો! હેઈ’ ઉદગારની હાર્મની પણ સિદ્ધ થઈ છે. કવિએ દરેક શેરમાં ઉલા મિસરામાં ‘હેઈ હો’ અને સાનીમાં ‘હેઈ’ ઉમેરી સાચા અર્થમાં હાર્મની સર્જી પણ બતાવી છે. ઉલાના ‘હેઈ હો!’ના પોકારને સાનીનો ‘હેઈ’ આબાદ ઝીલી લે છે.
કવિના બચવાની એકમેવ શરત છે કે કવિતા ડંખ ન મારે! પણ એ તો બનવાનું નથી. સર્જક બચી જવાની વાત તો કરે છે, પણ સર્જકની તો વાતો સુદ્ધાં કવિતા જેવી હોય. ઉપરથી કંઈ કહે પણ અંદરથી અર્થ કંઈ અલગ જ હોવાનો. એમ ન હોય તો છંદોની સાંઢણીને ઉપર તુર્ત જ સવાર થઈ શકાય એમ નમાવીને નહીંતર શીદ તૈયાર રાખી હોય? છંદોની સાંઢણીને ઝોકારવાની વાત કવિતાની રીતે તો ઉત્તમ છે જ, પણ વ્યવહારમાં ઘસાતા શબ્દોને કવિતાની કલાઈ કરીને ઊજળા-ચળકતા રાખવાની કવિની મથામણની પણ એ દ્યોતક છે. ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.
નયન-ઑમ્નિબસ ‘નયનનાં મોતી’ના પ્રકાશનકાળે કવિએ આ શેર શા માટે બદલી નાંખ્યો એ કોયડો છે. મૂળ શેરમાં ઉલા-સાનીની હેઈ હો-હેઈની સાંકળી પણ જળવાઈ રહેલ છે અને કાફિયો પણ દુરસ્ત છે, જ્યારે નવ્ય સંસ્કરણમાં સાંકળી તો તૂટે જ છે, નજીવો કાફિયાદોષ પણ થયો છે. સ્વતંત્ર શેર તરીકે જો કે બંને જ સંતર્પક છે, મૂળ શેર કદાચ થોડો વધારે.


Sandip Kotecha said,
December 3, 2025 @ 11:25 AM
No words… Only Pranam Nayanbhai and Thank you Dr saheb
Dr. Vrajlal Savaliya said,
December 3, 2025 @ 11:32 AM
અદ્ભુત 🙏
લલિત ત્રિવેદી said,
December 3, 2025 @ 11:42 AM
અદ્ભુત, નાવીન્યસભર ગઝલ. આદરણીય કવિની દરેક ગઝલ વિશિષ્ઠ. ગુજરાતી કવિતાની એ દયનિયતા કે કવિશ્રી વિશે ઉચિત નોંધ ન લેવાઈ
Yogesh Samani said,
December 3, 2025 @ 11:43 AM
વાહહહહ. અફલાતૂન ગઝલ 👌
અસ્મિતા શાહ said,
December 3, 2025 @ 12:53 PM
થડકાર ચૂકી જવાય એવી અફલાતૂન…..
Harihar Shukla said,
December 3, 2025 @ 5:28 PM
નક્કર મોજ👌
Kishor Ahya said,
December 3, 2025 @ 7:13 PM
કવિ શ્રી નયન દેસાઈની ‘ગઝલ હાર્મની’ પ્રેમની હળવી મજાની યાદો તાજી કરાવતી સુંદર ગઝલ છે. હેય હો અને હેય ઉલા અને સાની મિસરાના શબ્દો જાણે કાફિયાને હિંડોળે હિચકાવે એવા મધુર લાગે છે.
વાત ગઝલની તો ગઝલમાં પ્રેમિકા ને વાત હોય તેવો આછો સંકેત દેખાય છે બાકીતો હમેશની જેમ ભાવકને જે કલ્પનાઓ કરવી હોય તે કરી શકે તેવી ગઝલ છે.
જૂના જમાનામાં હિંડોળા ખાટ હોવી એ ઘરનું સ્પેશીયલ સ્ટેટ્સ ગણાતું.હિંડોળા પર બેસી પણ સોપારી ચાવતા જવું ને આસ્તે આસ્તે ઝૂલતાં રહેવું તેની મજા કઈ જુદીજ છે. આમ નાયકને હિંડોળા સાથે પાન સોપારી ને સાથે એક રઝળતી યાદ આવી ગઈ!( રાજડતી યાદ એ કોણ હોય શકે? સિવાય પ્રેમ, કોણ કોને યાદ કરે છે?)
ન ડંખે હેઈ હો… કવિતા તો હું બચી જાઉં
ઊભો છું સાંઢણી છંદોની હેઈ… ઝોકારી.
કવિતા ન ડંખે એટલેકે યાદો ન ડંખે તો સારું ,હું અહીં સાંઢણી પરથી છંદો ઝોકરી( ઝૂકવાપણું), એટલેકે ઝૂકીને ઊભો છું. ઘણા બધા છંદો ( સાંઢણી જેવા ગર્થ વાળા) લઈ ઊભો છું તેવો અર્થ પણ લઈ શકાય.
“સાંઢણી” શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ છંદના માળખાને બદલે કવિતામાં સાંઢણીના રસાત્મક વર્ણન માટે થયો હોય તેમ લાગે છે કેમકે “સાંઢણી છંદ” નામથી કોઈ છંદનો ઉલ્લેખ છંદને લગતા સાહિત્યમાં નથી.
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
તને હું યાદ કરૂં કોય પળ એ અલગારી*
અહીં શ્રી વિવેકભાઈ એ આસ્વાદમાં જણાવ્યા મુજબ
ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી. ની જગ્યાએ
તને હું યાદ કરૂં કોય પળ એ અલગારી* પંક્તિ મૂકી છે. નાયકનો અલગારી શબ્દ પણ યોગ્ય સ્થાને છે. જોકે કાફિયા દોષ સ્પષ્ટ દેખાય આવે છે પણ કવિ ને ગોઝારી ને બદલે અલગારી શબ્દ વધુ ગમ્યો હોય તેથી એકાદ બે દોષ ન ગણ્ય, ગણ્યા લાગે છે!
છેલ્લા ત્રણ શેર પ્રેમની યાદોના છે.
નિહાળ્યું (હેઈ હો) લીમડાનું ઝાડ લીલુંછમ
ને હેઈ! પાંદડાઓ નામ ઊઠયાં પોકારી.
સાથે ઘૂમ્યા હોય તે જગ્યાના લીમડાના પાન પણ ઓળખી જાય!
રડે છે દોઢ–બે વાગ્યે સૂની સડક હેઈ હો…!
દરોગા રાતનો પૂછે છે હેઈ! ખોંખારી.
રાત્રે દોઢ બે વાગ્યે સુમસાન સડક હોય ને નાયકા સાથે ન હોય તેને રડતી સડક કવિ કહે છે. રાતનો સમય હોય દરોગા નાયકને પૂછતાછ પણ કરે છે!
અવાજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી
ઓવારી” શબ્દનો અર્થ સંદર્ભ પ્રમાણે બદલાય છે. તેનો સામાન્ય અર્થ ‘ઓવારણાં લેવા’, ‘વારી જવું’.થાય છે, ‘ઓવારી’ શબ્દનો બીજો અર્થ નદીનો ઘાટ ,કિનારો પણ થાય. કવિ કહે છે પૂલ ભાંગે તેમ અવાજ પણ ભાંગે છે (દુઃખી હૃદયે બોલતા શબ્દો) આ શબ્દોને નદીને કાઠે નાખી આવીએ (દુઃખી દિલના ભાંગતા અવાજમાં નીકળતા શબ્દો કોઈ કામના નથી, નાયક કહે છે એને નદીમાં પધરાવી દઈએ).
વાહ ! જેવો દિલનો અવાજ એવાજ ગઝલના શબ્દો ! હેય હો અને હેય! ઉમંગ ભરેલા શબ્દોવાળી કવિ શ્રી નયન દેસાઈની ‘ગઝલ હાર્મની’ ખૂબ ગમી. .
શ્રી વિવેકભાઈ એ સરસ પસંદગી કરી, સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Shailesh Gadhavi said,
December 3, 2025 @ 7:19 PM
વાહ!
baarin said,
December 4, 2025 @ 5:05 AM
અદ્ભુત ગઝલ અને એવોજ આસ્વાદ પ્રણામ નયનભાઈ અને વિવેક સાહેબ ને 🙏🙏
Riyaz Langda said,
December 9, 2025 @ 9:19 AM
વાંચી ને મન તો એવું થઈ જાય કે ક્યાં ને ક્યાં ડૂબકી મારી આવ્યા,વખાણ કરવા માટે શબ્દો પણ કઈ સૂઝે નહીં.ને બસ એ રચનાની અસરમાં એક ઉદગાર નીકળે”વાહહ!”
Poonam said,
February 6, 2026 @ 12:28 PM
અવાજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી
– નયન હ. દેસાઈ – Waah !
Saras aaswad sir ji 😊