વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

કંડારવી છે – હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે,
હસ્તરેખાઓ નવી કંડારવી છે.

આપણે પહોંચી ગયા સામા કિનારે,
ક્યાં સુધી આ હોડીઓ હંકારવી છે?

આ બધું પામ્યા પછી પળ કઈ હશે?
– એટલી સમજણ પછી વિકસાવવી છે!

એ અગાસી પર જઈ નક્કી કરે છે,
કેટલી કોની પતંગો કાપવી છે?

ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;
એટલી સીમા હજી ઓળંગવી છે!

હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે!

વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
માનથી એની પ્રથાને પાળવી છે…!

– હાર્દિક વ્યાસ

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે’નું સહૃદય સ્વાગત છે…

પોતે જ પોતાના ભાગ્યવિધાતા હોવાની જાહેરાતથી કવિ ગઝલનો ઉઘાડ કરે છે. પોતાની મરજી મુજબની નવી હસ્તરેખાઓ કંડારવા માટે કવિએ હોઠ ભીંસીને મુઠ્ઠીઓ વાળી છે. હોઠ ભીંસવાની ક્રિયા ઈરાદાની મક્કમતાની પુષ્ટિ કરતી હોવાથી શેરને ઉપકારક નીવડે છે. ઘણીવાર ગંતવ્યસ્થાને પહોંચી ગયા પછી પણ આપણા જીવને જંપ વળતો નથી. આવી પરિસ્થિતિને હોડી અને સામા કિનારાના રૂપકની મદદથી કવિએ સુપેરે ચીતરી બતાવી છે. ‘ઓળંગવી’ એ એક કાફિયાદોષને બાદ કરતાં સરવાળે આખી ગઝલ સરસ થઈ છે,

6 Comments »

  1. Asmita shah said,

    June 6, 2024 @ 1:41 PM

    સુંદર ગઝલ…

  2. DILIPKUMAR CHAVDA said,

    June 6, 2024 @ 1:54 PM

    સારી ગઝલ છે

    હું રહું ના હું અને ના તું રહે તું
    જાતને એવી રીતે ઓગાળવી છે
    આ શેર સવિશેષ ગમ્યો

  3. Vinod Manek said,

    June 6, 2024 @ 4:04 PM

    કવિના નવા ગઝલ સંગ્રહને આવકાર સહ અભિનંદન.

  4. Dhruti Modi said,

    June 7, 2024 @ 1:51 AM

    હું રહું ના હું અને ના રહે તું
    જાતને એવી રીતે ઓગાળવી છે!

    વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
    માનથી એની પ્રથાને પાળવી છે…!

    સુંદર રચના !

  5. ઉમેશ જોષી said,

    June 13, 2024 @ 6:33 PM

    કવિ હાર્દિક વ્યાસની ખૂબ સરસ ગઝલ.
    અભિનંદન.

  6. Hardik Vyas said,

    June 13, 2024 @ 6:44 PM

    Thank you very much for posting valuable compliments and gazal ✌️🙏🙏🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment