બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

કાગળ છું – ભગવતીકુમાર શર્મા

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું;

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું;

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું;

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું;

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું

– ભગવતીકુમાર શર્મા

દરેક શેર એક કહાની છે જાણે…..

2 Comments »

  1. pragnajuvyas said,

    July 19, 2023 @ 9:53 PM

    આખી ગઝલ સંઘેડા ઉતાર
    ચૂસ્ત બંધારણ તથા શબ્દ પસંદગી ધ્યાનાકર્ષક
    પ્રત્યેક શેર બળકટ…

  2. વિવેક said,

    July 20, 2023 @ 11:54 AM

    સંઘેડાઉતાર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment