બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

વેદનાના સંબંધો, સંબંધોની વેદના -હેમેન શાહ

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

-હેમેન શાહ

હેમેન શાહની આ ગઝલ કોલેજમાં ખુબ લોકપ્રિય હતી. ( કદાચ એ વખતે ‘મિત્રતાના અર્થ’ ને સમજવાની ઘણી ગડમથલ હશે!) સંબંધોના દ્રોહની તપાસ એ સાહિત્યમાં (કે જીદંગીમાં) નવી વાત નથી. શોધવો હોય અર્થ મિત્રતાનો, કવિ કહે છે, તો શરૂઆત ઈતિહાસની એ ક્ષણોથી કર કે જ્યારે મિત્રતા માંથી બધો વિશ્વાસ ઊઠી ગયો હતો. સંબંધો અનિવાર્યપણે વેદનામાં પરિણામે છે એ હકીકતની એક અલગ બાજુ પણ છે. વેદના સંબધ જોડવાની કડી પણ બની શકે છે. કોઈને અંદરથી જાણવા માટે એની વેદનાને સમજવાથી વધારે સારો રસ્તો કયો હોય શકે?

Leave a Comment