જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

કાગળના કોડિયાનો… – રવીન્દ્ર પારેખ

કાગળના કોડિયાનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં.
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો.
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો…

– રવીન્દ્ર પારેખ

પ્રારબ્ધ પણ રૂઠ્યું છે અને કર્મ પણ ઊંધા પડે છે….જાયે તો જાયે કહાં…..સમઝેગા, કૌન યહાં, દર્દભરે દિલકી ઝૂબાં….

કવિને ૭૬મા વરસની ઘણી શુભેચ્છાઓ….

5 Comments »

  1. રવીન્દ્ર પારેખ said,

    November 22, 2022 @ 3:15 PM

    મારા જનમદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપવા બદલ અને મારું ગીત મૂકવા બદલ લયસ્તરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

    રવીન્દ્ર પારેખ

  2. Pravin Shah said,

    November 22, 2022 @ 5:04 PM

    આવી સરસ કવિતા તમે આપી તો
    અમૅ તેનાથી દુર કેમ રહીએ !

  3. pragnajuvyas said,

    November 22, 2022 @ 8:58 PM

    ર.પા.ની ૭૬મા વરસની ઘણી શુભેચ્છાઓ
    સાદ્યંત સુંદર ગીત,
    ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
    ત્યારે મરવાથી દૂર કેમ રહીએ?
    કાગળના કોડિયાનો
    ગહન વેદનાની વાતે હૈયામા કસક અનુભવાય.
    યાદ આવે તેઓનુ ગીત
    સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
    દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.
    ભીની આંખે કેમ ઉકેલું કહે,
    વીજળી છે કે કોઈના દસ્તખત !
    ધન્યવાદ ડૉ મહેતા

  4. વિવેક said,

    November 23, 2022 @ 10:59 AM

    સાદ્યંત સુંદર રચના

    કવિશ્રીને જન્મદિવસ પર સુમધુર સ્નેહકામનાઓ…

  5. Lata Hirani said,

    December 4, 2022 @ 10:42 PM

    કવિતા સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment