સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

ઝડપભેર વીતી જતી વસંત – મહેમૂદ દરવીશ (અરબી) (અનુ.: વિવેક મનહર ટેલર)

‘વસંત બહુ ઝડપભેર પસાર થઈ ગઈ
મનમાંથી ઊડી ગયેલા
વિચારની જેમ’
ચિંતાતુર કવિએ કહ્યું

શરૂઆતમાં, એના લયથી એ ખુશ થયો
એટલે એ એક-એક પંક્તિ કરતોક આગળ વધ્યો
એ આશામાં કે સ્વરૂપ સ્વયં પ્રગટ થશે

એણે કહ્યું, ‘અલગ પ્રકારની તૂકબંદી
મને ગાવામાં મદદ કરશે
જેથી કરીને મારું હૃદય શાંત રહે અને ક્ષિતિજ સાફ’

વસંત અમારી પાસેથી પસાર થઈ ગઈ છે.
એણે કોઈની રાહ જોઈ નહીં
ન તો ભરવાડની આંકડીએ અમારા માટે રાહ જોઈ
ન તો તુલસીએ

એણે ગાયું, અને કોઈ અર્થ ન મળ્યો
અને હર્ષવિભોર થઈ ગયો
એવા ગીતના લયથી જે પોતાનો માર્ગ ભૂલી ગયું હતું

એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
સંયોગથી થયો છે
અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.’

– મહેમૂદ દરવીશ (અરબી)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

ઝડપભેર પસાર થઈ જતી વસંતનું પ્રતીક લઈને પેલેસ્ટાઇની કવિ મહેમૂદ દરવીશ કાવ્યસર્જન અને કવિના આંતર્મનની એક પરત હળવેથી ખોલી આપે છે. કાવ્યસર્જનની પળે મનમાં ઝબકતા વીજળીના ચમકારા જેવા વિચારની મદદથી કવિતાનું મોતી પરોવી ન લેવાય તો કાગળ ઉપર કેવળ અંધકાર જ રેલાશે. સર્જનસમયે કોઈ પણ સર્જક આવ્યો વિચાર છટકી ન જાય એ બાબતે ચિંતાતુર અવશ્ય હોવાનો. પહેલી પંક્તિની માંડણી કવિને ખુશ કરે છે. જેમ જેમ કવિતા આગળ વધતી જાય તેમ તેમ કવિને આશા બંધાતી જાય છે કે કાવ્યસ્વરૂપ આપોઆપ પ્રગટ થશે. મનમાં આવેલ વિચાર સૉનેટમાં ઢળશે કે ગીત-ગઝલ-અછાંદસની વિધામાં પ્ર-ગતિ કરશે એવું કાવ્યલેખનના પ્રારંભે ઘણીવાર કવિમનમાં સ્પષ્ટ હોતું નથી. સમર્થ સર્જકના મનમાં ઉદભવેલા વિચાર સ્વયં કાવ્યાકાર નક્કી કરતા હોય છે. સર્જન સમયે અગાઉ ન ખેડેલી કેડી ઉપર ચાલનાર કવિને સંતોષ અને શાતા અપેક્ષિત હોય છે. સમય, ઋતુ અને વિચાર કોઈની પ્રતીક્ષા કરતાં નથી. માર્ગભૂલ્યું સ્વજન જડી આવે ત્યારે જે રીતે હર્ષવિભોર થઈ જવાય એ જ આનંદ સર્જન આપે છે. અર્થની કડાકૂટ વિવેચકો માટે, કવિને તો સર્જનના નિર્ભેળ આનંદ સાથે જ લેવાદેવા હોય ને! કવિતા મૂળે તો ભાવવહન કરવાનું ઉપાદાન છે, એમાંથી અર્થ નીપજે તો એ તો કેવળ સંયોગ જ. પુષ્પ વસંતમાં ખીલે એમ ખરી કવિતા બેચેનીમાં જ જન્મે છે..

A spring passing quickly

‘The spring has passed quickly
like a thought
that has flown from the mind’
said the anxious poet

In the beginning, its rhythm pleased him
so he went on line by line
hoping the form would burst forth

He said: ‘A different rhyme
would help me to sing
so my heart would be untroubled and the horizon clear’

The spring has passed us by
It waited for no one
The shepherd’s crook did not wait for us
nor did the basil

He sang, and found no meaning
and was enraptured
by the rhythm of a song that had lost its way

He said: ‘Perhaps meaning is born
by chance
and perhaps my spring is this unease.’

Mahmoud Darwish (Arabic)
(Eng. Trans.: Catherine Cobham)

9 Comments »

  1. preetam lakhlani said,

    November 19, 2022 @ 3:35 AM

    ડૉ.કવિ વિવેકભાઈ, બહુ જ સુંદર કવિતા અને એનાથી વિશેષ અનુવાદ, દોસ્ત અનુવાદ કરવો એ પણ ઉત્તમ કળા છે, જ્યારે કવિ જ કહેતો હોય કે,” આ બેચેની જ મારી વસંત છે.’ કવિતા કેટલી ઉત્તમબનીને આકાશની ઉંચાઈને સર કરી લે છે. બહુ ગમ્યો કવિતાનો અનુવાદ જેના કારણે હુ કવિતા લગી પહોંચયો!…એક સારી કવિતા જિંદગી જીવવાનો આનંદ છે..

  2. pragnajuvyas said,

    November 19, 2022 @ 4:07 AM

    પેલેસ્ટિનિયન કવિ મહમૂદ દરવીશ સામાન્ય રીતે અને પેલેસ્ટાઇનના ખાસ કરીને અગ્રણી આરબ કવિઓમાંના એક છે, જે તેમની દેશભક્તિ અને દેશભક્તિની કવિતાઓ માટે પ્રખ્યાત છે
    દરવીશને એવા કવિઓમાં પણ ગણવામાં આવે છે જેમણે આધુનિક અરબી સાહિત્યમાં ઉમેર્યું, ખાસ કરીને તેમાં પ્રતીકાત્મક અર્થના પાસામાં.
    એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
    સંયોગથી થયો છે
    અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.
    વાહ
    કવિશ્રી મહેમૂદ દરવીશ (અરબી)ની અફલાતુન રચનાનો ડૉ વિવેક દ્વારા ખૂબ સરસ અનુવાદ.
    ‘ બેચેની’ વાતે યાદ આવે તેમની કવિતા મેહમૂદ મારા મિત્ર !.મેહમૂદ દર્વીશ((ફલીસ્તની અરબી કવિ) ઉર્દૂ અનુવાદ પર થી ગુજરાતીમાં અનુવાદ…..બઝમે વફા)
    મેહમૂદ મારા મિત્ર !
    દુ:ખ એવું શ્વેત પક્ષી છે
    જે મેદાને જંગની પાસે પણ કદી નથી ફરકતું
    ફૌજીના માટે દુ:ખ એ મહા પાપ છે
    ત્યાં તો માત્ર એક યંત્ર હોંઊ છું
    જે આગ ઓકે છે
    મેહમૂદ મારા મિત્ર !
    અને
    આશા…મેહમૂદ દરવેશ
    ઘણું ઓછું મધ બચ્યું છે
    તમારી રકાબી માં
    માખીઓને દૂર રાખો
    અને મધને બચાઓ

  3. વિનોદ માણેક, ચાતક said,

    November 19, 2022 @ 5:15 AM

    ખૂબજ સરસ કાવ્ય અને ભાવાનુવાદ

  4. Varij Luhar said,

    November 19, 2022 @ 10:49 AM

    ખૂબ સરસ કાવ્ય, અનુવાદ અને આસ્વાદ

  5. Yogesh Gadhavi said,

    November 19, 2022 @ 11:46 AM

    ખુબ જ સુંદર કાવ્ય અને આસ્વાદ… આવા અર્થની બેચેની ને તથાસ્તુ…🌹

  6. Poonam said,

    November 19, 2022 @ 6:47 PM

    …એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
    સંયોગથી થયો છે…Aahaa !
    – મહેમૂદ દરવીશ (અરબી)
    (અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર) Tiveni 👌🏻

  7. વિવેક said,

    November 20, 2022 @ 10:52 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  8. Lata Hirani said,

    December 4, 2022 @ 10:43 PM

    સરસ કવિતા અને સરસ અનુવાદ

  9. વિવેક said,

    December 5, 2022 @ 10:58 AM

    @લતા હિરાની
    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment