કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

સમણાંનું ગીત – પ્રીતમ લખલાણી

આવું છું હું હમણાં…
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

સાંજ ઢળ્યે દીવાની સગમાં રાત કરે કલશોર!
રહી રહીને રુદિયે ત્રોફ્યા ટહુકે છે કંઈ મો૨!
ઢળી ઢોલિયે પાંપણ ખૂલતાં લવકારા હો બમણાં,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
આવું છું હું હમણાં…

– પ્રીતમ લખલાણી

મનનો માણીગર પાસે ન હોય ત્યારે પ્રોષિતભર્તૃકાનો એકમાત્ર સધિયારો એની યાદ અથવા એનાં સપનાં જ બની રહે છે. પણ વિરહસંતપ્ત આંખોમાં ઊંઘ આવે તો શમણાં આવે ને! હમણાં આવું છું કહીને દૂર દૂર સરી રહેલાં શમણાંના પ્રતીકની મદદથી કવિએ જે રીતે અનિદ્રાની વાત કરી છે એ કવિકર્મ સાચે જ ધ્યાનાર્હ છે. રૂમાલ ભીનો પણ આંખ કોરીવાળું કલ્પન પણ સહસા ધ્યાન ખેંચે છે. રૂમાલ ભીનો છે, મતલબ આંસુ તો આંખમાં નિરંતર આવી જ રહ્યાં છે. પણ તે છતાં કવિ આંખો કોરી હોવાની વાત કરે છે એનો સંદર્ભ પ્રિયજન અને/અથવા એના સ્વપ્નો આંખમાં આવતાં ન હોવા સાથે જોડાયેલ અનુભવાય છે.

6 Comments »

  1. pragnajuvyas said,

    October 20, 2022 @ 3:15 AM

    મજાની રચનાનો સ રસ મધુરો આસ્વાદ
    બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
    છે આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
    ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
    એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
    વાહ્
    મેઘદૂતની પ્રોષિતભર્તૃકા યાદ આવે
    મધઝરતી આંખોના કામણ,
    પરાગઝરતા અધરો….
    અને કવિ ટાંક
    સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
    સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.

  2. preetam lakhlani said,

    October 20, 2022 @ 12:35 PM

    કવિ શ્રી.વિવેકભાઈ મારા ગીતને તમે આ સ્વાદ કરાવીને લોક પ્રિય લયસ્તરોમાં સ્થાન આપયું તે બદલ તમારો ખુબ ખુબ આભાર….

  3. નાથાલાલ રવજીભાઈ દેવાણી said,

    October 20, 2022 @ 12:59 PM

    ખૂબ સરસ ગીત

  4. યોગેશ પંડ્યા said,

    October 20, 2022 @ 3:18 PM

    સરસ ગીત છે.
    એક વિરહિણી નાયિકાના મનોભાવ ને સરસ રીતે કવિએ ઝીલ્યા છે.પ્રીતમ ભાઈ ની કવિતા લેખનની ભિન્ન ભિન્ન તરાહો છે.તેઓ અછાંદસ પણ સરસ લખે છે.દેશથી દરિયાપર પરદેશમાં રહીને ભાષાનો દીપ તેઓ પ્રજવલ્લીત રાખે છે..આવું ઉત્તમ ગીત આપવા બદલ અભિનંદન.
    તા.ક. દીવા ની સગ માં કે શગ માં?

  5. DILIPKUMAR LAKHABHAI CHAVDA said,

    October 20, 2022 @ 6:53 PM

    વાહ મજાનું ગીત

  6. Poonam said,

    October 20, 2022 @ 9:25 PM

    ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
    એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
    – પ્રીતમ લખલાણી – …Sab Sapna…
    Mast aaswad sir ji

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment