‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શક્તી.
મરીઝ

હજુ પ્રેમનો પહેલો વળાંક છે – મુકેશ જોષી

તમે પાળેલો મોર કોઈ વાત ના માને
એ વાતમાં મારો કંઈ વાંક છે?
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે અત્તરમાં છાંટેલી સાંજ એક ચાહો ને
ચાહો છો ખોલવા કમાડ
તમે સાંકળ ખોલી ને તોય બોલતા નથી
જરા હડસેલો સ્હેજ તો લગાડ
તમે હોઠ ઉપર મૌન તણાં પંખી બેસાડો
ને શબ્દોની ફફડે આ પાંખ છે
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે બહુ બહુ તો આંખોમાં ભરતી સંતાડી દો,
દરિયો તો કેમે સંતાય
વાદળમાં નામ તમે મારું લખો છો એ
ચોમાસે ચોખ્ખું વંચાય
તમે જોવાની દૃષ્ટિયે આપી બેઠા
ફકત તમારી પાસે તો આંખ છે

– મુકેશ જોષી

“હજુ પ્રેમનો પહેલો વળાંક છે…..” – હું તો આ પંક્તિએ જ ઘાયલ થઈ ગયો…

 

“જરા હડસેલો સ્હેજ તો લગાડ…..” – કેટલો હસીન ઈશારો !!! દરિયો તો કેમે સંતાય….. – વાહ…..

 

 

2 Comments »

  1. વિવેક said,

    October 13, 2022 @ 11:57 AM

    સરસ મજાનું ગીત…

  2. pragnajuvyas said,

    October 13, 2022 @ 8:56 PM

    કવિશ્રી મુકેશ જોષીનુ મજાનું ગીત
    તમે જોવાની દૃષ્ટિયે આપી બેઠા
    ફકત તમારી પાસે તો આંખ છે
    વાહ્
    પ્રસિદ્ધ ત્તત્વચિંતક ઍરિક ફ્રોમ એમના જાણીતા પુસ્તક The Art of Lovingમાં નોંધે છે : “બે અજાણી વ્યક્તિઓ નજીક આવે છે પછી એમની વચ્ચે કોઈ અવરોધો રહેતા નથી. નજદીકી પ્રાથમિક ધોરણે જાતીય સંબંધ દ્વારા સ્થપાય છે. શારીરિક જુદાપણું શારીરિક સમાગમથી દૂર થાય છે.’
    પ્રેમસંબંધમાં નાયક-નાયિકાને નડતો ખલનાયક સમાજ છે. લોહી ચૂસતા, દૂબળા કરતાં સમાજનું સજીવારોપણ કરી એનાથી ઊભો થતો ખતરો છે. ફ્રોમ લખે છે એમ, “કોઈને પ્રેમ કરવો ફક્ત પ્રબળ લાગણી નથી. એ નિર્ણય છે, ચુકાદો છે, વચન છે. જો માત્ર લાગણી હોત તો હંમેશ માટે પ્રેમ કરવાના વચનનો આધાર ન હોત.” એટલે તો
    વાદળમાં નામ તમે મારું લખો છો એ
    ચોમાસે ચોખ્ખું વંચાય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment