શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક મનહર ટેલર

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

– ચંદ્રકાન્ત શાહ

એકદમ અલગ તરહનું ગીત…..

“હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો……..” – વાહ !! એકલતાનો રોજ નવો એક કિલ્લો !!

1 Comment »

  1. pragnajuvyas said,

    October 5, 2022 @ 9:31 PM

    શ્રી ચંદ્રકાંત શાહ (ચંદુ)નું ગીત એટલે અલગ જાતનું જ હોવાનું.
    જ્યાં ગીત હોય ત્યાં શબ્દ હોય શબ્દ સમજાય તો બ્રહ્મ પેદા થાય અને જો શબ્દ ન સમજાય તો ભ્રમ પેદા થાય.ગીતનો રાગ અને રાગાત્મક વૄત્તિ- રાગાત્મક વૄત્તિ એટલે ગીતના રાગનું હ્નદય સાથે જોડાવું.
    છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
    હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
    ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
    અ ફ લા તુ ન
    સફળતાના કિલ્લાની ટોચ પર પહોંચવામાં આનંદ ઘણો હોય છે, પણ ત્યાં જગ્યા એટલી સાંકડી હોય છે કે માણસ મોટે ભાગે ત્યાં એકલો જ રહી શકે છે.સફળતા સાથે એકલતા આવતી હોવા છતાં લોકો ધનનો મોહ તો છોડી નથી શકતા. હા, તેનાથી તકલીફ જરૂર થાય છે.

    ગીત સાથે ગાયક સંકળાયેલ છે.ચંદુભાઈના ગીત તેમના જ સ્વરમા માણવાની મઝા કાંઇ કે ઔર!
    ધન્યવાદ ડૉ તીર્થેશ જી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment