ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ઝુરાપાનું ગીત – અનિલ ચાવડા

ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સુક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ
નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો
થાતો જાય ઊંડો એક ખાડો;

બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ
રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ
હોય તો જ ફરકે ને પાન!

જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

– અનિલ ચાવડા

કવિએ ગીતનું શીર્ષક આપ્યું છે – ” ઝૂરાપાનું ગીત ” – શીર્ષક બધું જ કહી દે છે….

5 Comments »

  1. pragnajuvyas said,

    January 24, 2022 @ 8:57 PM

    કવિશ્રી અનિલ ચાવડાનુ સરળ શબ્દો,સીધીવાત અને સ્પષ્ટ અભિવ્યક્તિ સાથે સુંદર ગીત પ્રસ્તુત થયુ.
    જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
    સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?
    વાહ
    સપનું વલૂરવામા વેદના ભીતર ઢબૂરી હોય છે.
    .

  2. હરીશ દાસાણી. said,

    January 25, 2022 @ 4:32 PM

    વેદનાની ધારદાર અભિવ્યકિતથી ઝુરાપો હાડોહાડ વ્યાપી જાય છે.

  3. Chetan Shukla said,

    January 27, 2022 @ 5:48 PM

    ઝુરાપા વિશે એક સરસ ગેીત

  4. દિલીપ ધોળકિયા said,

    March 15, 2022 @ 7:16 AM

    ખુબ જ સુંદર અભિવ્યક્તિ…

  5. Karshan j Suvagiya said,

    June 19, 2022 @ 9:57 AM

    આને ઝુરાપાના ગીત કરતાં
    ‘ખરજવાનું ગીત’ કહેવું જોઈએ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment