મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

રોશનીમાં અંધારું ભેળવીને આપો…- મુકેશ જોષી

રોશનીમાં અંધારું ભેળવીને આપો,
મારે ના જોઈએ સૂરજમુખી,
રાતરાણી ઊગે તોય કાપો…

બળબળતી રેતીથી છેટો રહું ને
રહું દરિયાનાં મોજાંથી દૂર
પળમાં છલકાય વળી પળમાં સુકાય
મારે ઝરણાનાં પ્હેરવાં નૂપુર
તરતાં ન આવડે ને હોડી ના જોઈએ
આપો નાનકડો તરાપો… મને રોશનીમાં

નભનાં પોલાણ નથી ચીરવાની આશ
નથી પાતાળો ફાડીને જોવાં
થોડાં આંસુ મારે હસવાને હોય
અને થોડાં આંસુઓ હોય રોવા
કાંટાળી કેડી કંડારવી નથી
છતાં પથરીલો પંથ ભલે વ્યાપો.. મને રોશનીમાં

પગલાંમાં હણહણતા ઘોડા ન હોય
નહીં કીડીઓના વેગ સમી ચાલ
થોડું દોડાય, થોડું હાંફી જવાય
થોડા સાચા-ખોટા હો ખયાલ
મળવાની આશ ભલે સાચી ઠરે
છતાં કીકીઓને જોઈએ ઝુરાપો.. મને રોશનીમાં

– મુકેશ જોષી

 

કવિને “ ચૌદહવી કા ચાંદ “ જોઈએ છે….પૂનમનો નહીં. ચૌદસનો ચાંદ વિકાસ પામે….પૂનમનો ચાંદ ક્ષીણ થતો જાય. ચાંદીમાં જેમ ડાઘ છે તેમ કવિને કંઈપણ સંપૂર્ણ નથી જોઈતું-કંઈક અધૂરું હશે તો વિકાસ શક્ય રહેશે…યાત્રામાં મજા રહેશે….

3 Comments »

  1. pragnajuvyas said,

    January 6, 2022 @ 12:16 AM

    અદભુત…
    ખૂબ જ સુંદર ગીત
    મળવાની આશ ભલે સાચી ઠરે
    છતાં કીકીઓને જોઈએ ઝુરાપો..
    વાહ… … …
    ઝંખના અને ઝુરાપો બન્ને જોઇએ !
    મન-હૃદયનો ઝુરાપો એટલે પ્રેમ – સરળ અને સ્વભાવિક. એનો લય એકવાર કાનને સ્પર્શે પછી હોઠ પર ગુંજન થઈને મહેક્યા કરે. કેટલાંક ગીતો એવાં હોય છે કે એનું પ્úથક્કરણ થાય પણ નહીં અને કરવા જઈએ તો પીંજણ થઈ જાય. એને તો જુદી જુદી રીતે માણવા જોઈએ. પ્રિયતમને સંબોધન કરીએ ત્યારે કાંઈ પણ આડીઅવળી વાત કે કાલીઘેલી વાત થઈ શકે. એની સાથે મુદ્દાસર વાત કરવાની હોય નહીં. પંક્તિએ પંક્તિએ અર્થ ન શોધાય. એના ઉદ્ગારમાં જ એનો અર્થ હોય. શરૂઆતમાં લીલીછમ લાગણીને લીલા રંગમાં વહેતી કરી છે.પ્રેમની નજાકત પ્રગટ કરવાનો એક તરીકો છે. પ્રેમ એટલે ઝંખવું અને ઝૂરવું. પ્રેમ કરવો એટલે ઝંખના, ઝુરાપો, ભ્રમણા, નંદવાયેલાં સમણાં અને બળબળતો વિરહ. પ્રેમમા અંતે ઝંખવાનું અને ઝૂરવાનું છે.
    … …

  2. Nilesh Rana, MD said,

    January 7, 2022 @ 3:24 AM

    સુન્દર રચના

  3. Heena Mehta said,

    January 7, 2022 @ 6:20 PM

    ખૂબ સુંદર!!
    મારે ઝરણાંના પ્હેરવા નૂપુર…..વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment