(મને મેં જીવતો રાખ્યો) – રઈશ મનીઆર
જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો
ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો
બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો
ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો
ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો
ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો
‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો
જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો
જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો
– રઈશ મનીઆર
મિત્રો,
કોરોનાના આ કપરાકાળમાં મિત્રોને જાણ્યા-અજાણ્યા માનવબંધુઓને અકાળે આપણી વચ્ચે સરકી જતાં જોઈને, એ ખાલીપા વચ્ચે જીવતા રહેવું, ખુદને જીવાડતાં રહેવું પણ કપરું છે, ‘મને મેં જીવતો રાખ્યો’ એમાં ‘જીવતા રહ્યા’નું અભિમાન નથી, જિજીવિષા જરાસરખી ખૂટી ગયાની વિવશતા છે. આપ સહુને સાંત્વના અને સંવેદનાઓ સાથે આ ગઝલ અર્પણ કરું છું.
– રઈશ મનીઆર
Rinku Rathod said,
April 22, 2021 @ 2:02 AM
અહા…પરોણા-ગત.. તત્સત….અદ્ભૂત..
શાનદાર ગઝલ.
Kajal kanjiya said,
April 22, 2021 @ 3:32 AM
બધાં જ શેર લાજવાબ….અભિનંદન 💐
Pravin Shah said,
April 22, 2021 @ 6:19 AM
ખૂબ સુન્દર !
praheladbhai prajapati said,
April 22, 2021 @ 6:44 AM
એક્ષેલેન્ત , સુપેર્બ
લલિત ત્રિવેદી said,
April 22, 2021 @ 12:06 PM
વાહ વાહ… સરસ ગઝલ
જયેન્દ્ર ઠાકર said,
April 22, 2021 @ 2:55 PM
રઈશભાઈ,
સરસ! આશા છે કે તમે અને તમારાં વહાલાં બધા જ મજામાં હશો!
Parbatkumar said,
April 23, 2021 @ 8:26 AM
વાહ
સુપર ગઝલ
Harihar Shukla said,
April 24, 2021 @ 12:09 AM
ૐ તત્સત! જત પ્રભુને લખેલો ખત!
મળે તો સારું! 👌💐