ચર્ચા કર્યા વગર – ભગવતીકુમાર શર્મા
તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,
ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,
સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.
સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.
એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?
અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.
– ભગવતીકુમાર શર્મા
pragnajuvyas said,
April 13, 2021 @ 11:24 AM
મા.ભગવતીકુમાર શર્માની સુંદર ગઝલનો અફલાતુન મત્લા
તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
વાહ
ચર્ચા કર્યા વગર નો નિર્ણય હંમેશાં તમારા સંબંધો ને સમાપ્તિ તરફ દોરી જતો હોય છે
પણ અહીં દિવ્યપ્રેમમા ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર…!
Lata Hirani said,
April 14, 2021 @ 8:02 AM
‘સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.
વાહ વાહ વાહ
હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?
– વિવેક મનહર ટેલર
આ બહુ ગમ્યો