ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
વિવેક મનહર ટેલર

(પૃથ્વી ગોળ છે) – ખલીલ ધનતેજવી

કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.

કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

– ખલીલ ધનતેજવી

ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓથી એકધારું મધ્યાહ્ને તપતો એક સૂર્ય ૮૫ વર્ષની વયે અચાનક આથમી ગયો… ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સૂર્યો અને સિતારો આવતા રહેશે પણ ખલીલસાહેબની જગ્યા ભાગ્યે જ કોઈ લઈ શકશે. ઊંચી કદાવર કાઠી અને ઘોઘરા અવાજ સાથે એ જે અંદાજે-બયાંથી ગઝલ કહેતા, એ પણ હવે સ્મૃતિશેષ જ રહેશે. ભાગ્યે જ કોઈ મુશાયરો એવો થયો હશે, જેમાં ખલીલસાહેબને એમનો કાવ્યપાઠ પતી ગયા પછી દર્શકોના ‘વન્સમોર’ને માન આપીને પુનઃ માઇક ગ્રહણ કરવું ન પડ્યું હોય…

8 Comments »

  1. હર્ષદ દવે said,

    April 8, 2021 @ 3:41 AM

    સરસ ગઝલ.
    વંદન સહ શ્રદ્ધાસુમન

  2. Jay said,

    April 8, 2021 @ 7:45 PM

    જન્મ ખલીલ ઇસ્માઇલ મકરાણી
    ડિસેમ્બર 12, 1935
    ધનતેજ
    મૃત્યુ 4 April 2021 (ઉંમર 85)
    વડોદરા
    અભ્યાસ ધોરણ ચાર…પણ ચારે દિશાઑ ગઝવી નાખી!

  3. વિવેક said,

    April 9, 2021 @ 2:32 AM

    @ જય:

    સુધારી લીધું છે.,.. ધ્યાન દોરવા બદલ આભાર…

  4. Kajal kanjiya said,

    April 11, 2021 @ 3:10 AM

    સુંદર ગઝલ
    સરાહનીય કાર્ય 👏👏
    શ્રદ્ધાસુમન સહ શ્રદ્ધાંજલિ 🙏

  5. ડો.મહેશ રાવલ said,

    April 11, 2021 @ 1:16 PM

    જનાબ ”ખલીલ”સાહેબની વિદાયથી ગુજરાતી ગઝલ ક્ષેત્ર ન પૂરી શકાય એવી,વહમી ખોટ પડી.એક એવો “ખલીલનો ખાલીપો” સર્જાયો છે,જેને ભરવામાં ખુદ સમય પણ હાંફી જવાનો !
    કવિશ્રીને ગઝલપૂર્વક વંદન.

  6. pragnajuvyas said,

    April 11, 2021 @ 3:08 PM

    એક મોટા ગજાના દિલાવર શાયરને આપણે ગુમાવ્યા.
    એમના ખૂબ જાણીતા શેર મા
    કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
    આ તો મારા ગામની ભૂગોળ છે.

    ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
    એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.
    વાહ્

  7. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:21 AM

    ઘાણીએ ફરતો બળદ અને ગોળ પૃથ્વી👌

  8. Poonam said,

    April 12, 2021 @ 11:10 AM

    કલ્પના સુંદર હતી, રૂડી હતી,
    વાસ્તવિકતા કેટલી બેડોળ છે!
    – ખલીલ ધનતેજવી – uff ! ek se badhkar ek sher !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment