જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
બરકત વિરાણી 'બેફામ'

મારી નથી….- ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

– ખલીલ ધનતેજવી

તેજ ના ધની – ધનતેજવી અનંત તેજમાં વિલીન થઇ ગયા……

5 Comments »

  1. pragnajuvyas said,

    April 5, 2021 @ 9:30 AM

    .
    ગઝલ નો *ખલીલ*
    સાહિત્ય નો *ધની*
    ખુમારી નું *તેજ*
    અમર રહો….
    તેમની ઘણી ગઝલો તેમના જ સ્વરમા માણવાની મજા તો કાંઇ ઔર…!

  2. Parbatkumar said,

    April 5, 2021 @ 12:25 PM

    વંદન વંદન વંદન
    ખલીલ સાહેબ આપ ગુજરાતી ગઝલને ખૂબ યાદ આવશો

  3. હરીશ દાસાણી said,

    April 6, 2021 @ 10:58 AM

    જેમાં સૌને પોતપોતાની છબી દેખાય એવી ગઝલોના રચયિતા ખલીલસાહેબને સલામ

  4. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:27 AM

    પગ ઉપાડતાં જ ઊઘડતા રસ્તાઓ ચોતરફ 👌

  5. Poonam said,

    April 12, 2021 @ 11:22 AM

    પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
    જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી…
    – ખલીલ ધનતેજવી – Khalil n(i)e Khumari !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment